Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સુરતના અમરોલી નજીક કારખાનેથી પરત ફરતા સાહેબને આંતરી ત્રણ યુવાનોએ લૂંટ ચલાવી: લાકડાના ફટકા મારી મોબાઈલ ફોન,બાઈક સહીત 31 હજારની મતા તફડાવતાં પોલીસ ફરિયાદ

સુરત: અમરોલી ગણેશપુરાની ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતો અને સાયણ રોડ સ્થિત અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લુમ્સ કારખાનામાં નોકરી કરતો સાહેબ કાશીનાથ બ્હેરા (ઉ.વ.43) ગત રાત્રે નવ વાગ્યાના અરસામાં નોકરી પરથી પરત ઘરે મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો.ત્યારે કોસાડ ગામ રેલવે ફાટક નજીક રોડ સાઇડની ઝાડીમાંથી હુહુનો અવાજ આવ્યો હતો.જેથી સાહેબે મોટરસાઇકલ ધીમી કરી હતી આ અરસામાં ઝાડીમાં છુપાયેલા ત્રણ યુવાનો રોડ પર ધસી આવ્યા હતા. જે પૈકીના એક યુવાને લાકડાના ફટકા વડે હુમલો કરી સાહેબને માથામાં ઇજા પહોંચાડી હતી અને મોઢા અને હાથ-પગમાં પણ ઇજા પહોંચાડી હિન્દી ભાષામાં પૈસા નિકાલ પૈસા નિકાલ એમ કરી ખિસ્સામાંથી રોકડ મત્તા અને મોબાઇલ ફોન લુંટી લીધા હતા ઉપરાંત મોટરસાઇકલ મળી કુલ રૃા. 31,500 ની મત્તા લુંટીને ભાગી ગયા હતા.

ઘટના અંગે સાહેબે પોલીસને જાણ કરતા અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વાયરલેસ મેસેજ પાસ કરી નાકાબંધી કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રોડ સાઇડની ઝાડીમાં છુપાવી વાહન ચાલકોને આંતરી લુંટ ચલાવતી ટોળકી દાહોદજ-ગોધરા અને જાબુંઆ તરફની હોવા ઉપરાંત મહારાષ્ટ્રની પારધી ગેંગ હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)