Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સુરત : ગણેશોત્સવમાં જાહેરમાં યુવાનોની શરાબ સાથે ઐય્યાશી

દારૂબંધીના લીરા ઉડાવતા બનાવને લઇ રોષ :યુવાનોએ દારૂ-બિયર પીને ડાન્સ કરતો તેમજ ધીંગામસ્તી કરતો વિડિયો વાયરલ થતાં ખળભળાટ : પોલીસ તપાસ

અમદાવાદ,તા. ૩ : એકબાજુ રાજયભરમાં વિધ્નહર્તા દેવ ગણેશ ભગવાનનો ગણેશ મહોત્સવ ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસ વચ્ચે ઉજવાઇ રહ્યો છે ત્યારે સુરતમાં ગોલવાડ વિસ્તારમાં ગણેશ પંડાલમાં જ પંદરથી વીસ યુવાનો જાહેરમાં જ દારૂ-બિયર પીને ડાન્સ અને ધમાલમસ્તી કરી એકબીજાને દારૂ પીવડાવી રહ્યા હોવાની ઘટના સામે આવતાં માત્ર સુરત જ નહી ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતાં આ બનાવને લઇ હજારો ગણેશભકતોની ધાર્મિક લાગણી દુભાઇ છે. ગણેશોત્સવની આડમાં ઐય્યાશીમાં જાહેરમાં યુવાનોએ દારૂ-બિયર પીને ડાન્સ કરતો અને ધીંગામસ્તી કરતો વીડિયો વાઈરલ થતાં ભારે ચકચાર મચી ગઇ છે. ભારે વિવાદ અને હોબાળો થતાં સુરત પોલીસ હરકતમાં આવી હતી અને પ્રાથમિક તબક્કે આઠ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુરતમાં કોટસફિલ રોડ પર આવેલા ગોલવાડમાં ગણપતિની સ્થાપના સાથે જ ગણપતિની મૂર્તિ સામે યુવકો નાચતાં નાચતાં એકબીજાને જાહેરમાં બિયર અને દારૂ પીવડાવી રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જોતજોતાંમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યા મુજબ આ યુવકો બિન્દાસ્ત બનીને એકબીજાને બિયર-દારૂ પીવડાવી રહ્યા હતા એ દરમ્યાન પોતાના વીડિયો પણ ઉતરાવી રહ્યાં હતાં. ગીતના તાલે જાહેરમાં દારૂ પીનારા ધતિંગ કરી છાકટા થયા હોવાના ધતિંગ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

     આખરે સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર હેરકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક તપાસ બાદ આઠ યુવકોને વીડિયોને આધારે અટકાયત કરવામાં આવ્યા છે. એક યુવક પાસે તેની મધરની પરમીટવાળી બિયરની બોટલ હતી. હાલ કડક કાયદાના પગલાં લેવાનું શરૂ કર્યું છે. યુવકની માતાનું પરમીટ લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવશે. ગલીની અંદર આ રીતનું પરાક્રમ ગણેશજીની મૂર્તિ સામે કરવામાં આવ્યું છે જે સાંખી લેવામાં આવશે નહીં. પોલીસ પેટ્રોલીંગના માણસો સામે પણ જો ચૂક સાબિત થશે તો, કાયદાની જોગવાઈ પ્રમાણે કડક પગલાં લેવાશે. મહિધરપુરા પોલીસે જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલા વીડિયોને આધારે તપાસઆદરવામાં આવી છે. સાથે જ હાલ પોલીસ દ્વારા વીડિયોમાંદેખાતા યુવકોની ઓળખ કરીને અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, આ રીતે જાહેરમાં જે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે તે યોગ્ય નથી. આ અંગે તપાસ થવી જોઈએ. આરાધનાના પર્વમાં અયોગ્ય વર્તન ન થવું જોઈએ. ગોલવાડ વિસ્તાર દારૂ માટે કુખ્યાત છે. અગાઉ પણ જાહેરમાં દારૂ વેચાતો હોવાના અહેવાલો અગાઉ પણ આવી ચુક્યા છે. પોલીસ જ્યારે આ વિસ્તારમાં રેડ કરવા જતી ત્યારે મહિલાઓ દ્વારા પણ હુમલા થયા હતા.

(8:50 pm IST)