Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વડોદરામાં ઇન્‍દ્રપ્રસ્‍થ યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જનથી પર્યાવારને નુકશાન ન થાય તે માટે પહેલ

વડોદરા :વડોદરામાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશના વિસર્જન માટે ગુજરાતમાં પહેલીવાર એવી તૈયારી કરી છે. જેનાથી પર્યાવરણને નુકશાન નહિ થાય સાથે ગણેશ વિસર્જન બાદ માટીનો ઉપયોગ પણ થશે.

વિસર્જન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળે પોતાના ખર્ચે વિદેશથી એક પાણીનું ફોલ્ડીંગ કુંડ મંગાવ્યુ છે, જેની ક્ષમતા 54 હજાર લિટર પાણીની છે. જેમાં મંડળ દ્વારા ત્રણ ફૂટથી નાના માટીમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. વિશે મંડળના સભ્ય પંકજ પરીખ જણાવે છે કે, વડોદરાના લોકો કુંડનો લાભ લઈ શકે તે માટે મંડળના સભ્યોએ એક ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે. તેમજ લોકોને તેમના કુંડમા માટીના ગણેશ વિસર્જન કરવા આહવાન કર્યુ છે.

વિસર્જનની માટીનો ખાતર માટે ઉપયોગ

અન્ય સભ્ય દેવાંગ શાહે જણાવ્યું કે, વિસર્જનના દિવસે મંડળ દ્વારા પોતાના ખર્ચે લોકોને ઘરેથી લાવવા લઈ જવા માટે 11 કારની વ્યવસ્થા પણ કરી છે. તેમજ ધાર્મિક વિધીથી વિસર્જન કરવા માટે 4 મહારાજની વ્યવસ્થા પણ કરી છે. જેના કારણે વિસર્જન સમયે કોઈ પણ ભક્તોને મુશ્કેલી પડે. મહત્વની વાત છે કે, વિસર્જન બાદ જે માટી કુંડમા રહેશે તેને આયોજકો પાલિકાને ખાતર બનાવવા માટે આપી દેશે. જેથી ગણેશજીની માટીનો પણ સદુપયોગ થઈ શકશે. આમ, વડોદરાનું ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ ઈકો ફ્રેન્ડલી રીતે ગણપતિનું વિસર્જન કરી ખરા અર્થમાં પર્યાવરણનુ જતન કરી રહ્યુ છે. ત્યારે ઈન્દ્રપ્રસ્થ સોસાયટી યુવક મંડળના યુવકોનો પ્રયાસ ખરેખર પ્રશંસાને પાત્ર છે.

(5:09 pm IST)