Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા ચકચાર

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો બનતા તંગદિલી : આરોપીએ ધોરણ ૧૨ વિદ્યાર્થીની સાથે આલિંગન કરતો વિડિયો વાયરલ કર્યો : કલાકો આરોપીની ધરપકડ કરાઇ

અમદાવાદ, તા.૩ : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં લવજેહાદની વધુ એક કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. તરસાલી વિસ્તારમાં સ્કૂલ વાનચાલક યુવાને ધો-૧૨ની વિદ્યાર્થીનીને દવા પીને મરી જવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવાને વડોદરાના લાલબાગ બ્રિજ પાસે વિદ્યાર્થીનીને  આલિંગન આપતો સેલ્ફી વીડિયો ઉતાર્યો હતો. બનાવને પગલે ભારે વિવાદ સામે આવતાં મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી. આ વીડિયો યુવકે સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની વિદ્યાર્થીની ધો-૧૨માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીની જ્યારે ધો. ૧૧માં અભ્યાસ કરતી હતી અને ચાલતી સ્કૂલે જતી હતી ત્યારે તરસાલી ચોરાવાળા ફળિયામાં રહેતો અને ઓએનજીસીમાં સ્કૂલવાન ચાલક મોઇન અજીત ચૌહાણ તેનો પીછો કરતો હતો. કારના હોર્ન મારી હેરાન કરતો હતો. ટ્યુશન ક્લાસમાં જાય તો સામે આવીને ઉભો રહેતો હતો.

      એક દિવસ તેને તરસાલી તળાવ પાસે ઉભી રાખી પ્રેમ કરતો હોવાનું કહ્યું હતું. વિદ્યાર્થીની ગુસ્સે ભરાઇ જતી રહી હતી. ત્રણેક દિવસ પછી ફરી વિદ્યાર્થીનીને આંતરી તું મારી સાથે નહીં બોલે તો હું દવા પીને મરી જઇશ અને તારુ નામ લખીશ, તારા માતા-પિતાને પણ વાત કરીશ તેવી ધમકી આપી હતી. ગભરાઇ ગયેલી વિદ્યાર્થીની પાસેથી મોબાઇલ નંબર મેળવી તેને કોલ કરતો હતો. જાન્યુઆરી-૨૦૧૯માં વિદ્યાર્થીનીનો જબરજસ્તીથી હાથ પકડી સ્કૂલવાનમાં બેસાડી કપુરાઇ ચોકડીથી આગળ ખુલ્લા મેદાનમાં લઇ જઇ અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ કર્યું હતું. તો, બે મહિના પહેલા વિદ્યાર્થીની ક્લાસમાંથી છૂટતા મોઇન તેને સ્કૂલવાનમાં બેસાડી માંજલપુર તુલસીધામ ચાર રસ્તાથી આગળ રોડની સાઇડ પર લઇ જઇ વાન ઉભી કરી દીધી હતી.

      કાળા કલરના કાચની આડમાં સ્કૂલવાનમાં જ તેની સાથે ફરી દુષ્કર્મ કર્યું હતું. આ પ્રકારે આરોપી યુવક સગીર વિદ્યાર્થીનીને જુદી જુદી જગ્યાએ લઇ જઇ ધમકી આપી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. સોમવારે વાનચાલક મોઇન વિદ્યાર્થીનીને બળજબરીથી કમાટીબાગ લઇ ગયો હતો. વિદ્યાર્થીનીના ભાઇને ખબર પડતાં મિત્રો સાથે પહોંચી મોઇનને ઝડપી પાડ્યો હતો. તેને લઇને ઘરે માતા પાસે પહોંચ્યો હતો. માતાએ દિકરીની પૂછપરછ કરતાં તેણે મોઇને ધમકી આપી કરેલા દુષ્કર્મની વિગતો જણાવતાં માતાએ મકરપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. તેની ધરપકડ કરી તપાસ એસીપી એસસીએસટી સેલ કરી રહ્યા છે. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

(8:47 pm IST)