Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

દંડ વસુલનાર મહિલા પોલીસનો યુવતિઓએ ઘર સુધી પીછો કર્યો !!

અમદાવાદઃ વસ્ત્રાપુર તળાવ પાસે રવિવારે ટ્રાફિક એ ડિવિઝનમાં ફરજ બજાવતા મહિલા ટ્રાફિક પોલીસ કર્મીએ ત્રણસવારી કરવા બદલ યુવતીઓને દંડ ફટકાર્યો હતો. દંડ ચુકવ્યા બાદ યુવતીઓએ મહિલા પોલીસ કર્મીનો ઘર સુધી પીછો કરતા મહિલા કર્મીએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી સોલા પોલીસે ત્રણેય યુવતીને પકડી ફરિયાદ નોંધવા કાર્યવાહી કરી હતી. પરંતુ આ બનાવમાં ફરિયાદ નોંધાય તે પૂર્વે એક યુવતીના નાયબ મામલતદાર પિતાએ પોલીસ કર્મીને વીડિયો કોલ કરી સમજાવતા મહિલા પોલીસ કર્મીનું હ્ય્દય પીગળી ગયું હતું અને સમાધાન થતાં ત્રણ યુવતીઓની કરિયર બચી હતી.

 સોલા પોલીસે ઝડપેલી ત્રણમાંથી એક યુવતીના પિતા નાયબ મામલતદાર હતા. તેઓને આ બાબતની જાણ થતાં તેઓએ વીડિયો કોલિંગ કરીને મહિલા કોન્સ્ટેબલને જણાવ્યું કે, જેની સામે તું ફરિયાદ નોંધાવી રહી છે તે મારી દીકરી છે, એવી તું પણ દીકરી છે. મારી દીકરીએ ભૂલ કરી છે પણ તું તેની સામે ફરિયાદ કરીશ તો તેની કરિયર બગડશે તેનો મને વાંધો નથી,પણ તેની સાથેની યુવતીઓની કરિયર ખરાબ થશે તેની ચિંતા છે. તું ફરિયાદ કરે તો પણ મને વાંધો નથી અને મારી દીકરીની ભૂલ બદલ તું તેણે લાફો મારીને સજા આપે તો પણ મને વાંધો નથી. તું જે નક્કી કરે તે મેં તો માત્ર તને રજૂઆત કરી છે.

યુવતીના નાયબ મામલતદાર પિતાની રજૂઆત અને સમજણભરી વાતથી આખરે મહિલા કોન્સ્ટેબલે ત્રણે યુવતીઓ વિરુદ્ઘ તેઓની કાર્રિકદીને ધ્યાને રાખીને ફરિયાદ કરી ન હતી.

(3:59 pm IST)