Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

'ગુજરાત' સામયિક શિક્ષકદિન વિશેષાંક

શિક્ષણ જગતના તજજ્ઞોના વિચારોનો રસથાળઃ પુલક ત્રિવેદી કાર્યવાહક તંત્રી : વિશ્વના શ્રેષ્ઠ ૧૦૦ પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિને સ્થાન અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતની પ્રથમ ક્રમાંકની હેટ્રિક એ છેલ્લા પખવાડિયાની મહત્વની ઘટનાઃ તંત્રી અશોક કાલરિયા

રાજકોટ તા. ૩: ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત 'ગુજરાત' સામયિકનો (પાક્ષિક) ૧ સપ્ટેમ્બરનો અંક 'શિક્ષકદિન વિશેષાંક' તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેના તંત્રી તરીકે માહિતી નિાયમક શ્રી અશોક કાલરિયા છે. સહતંત્રી તરીકે અરવિંદ પટેલ અને શ્રી પુલક ત્રિવેદી કાર્યવાહક તંત્રી તરીકે કાર્યરત છે. આ અંક વિનામૂલ્યે ડાઉનલોડ કરવા માટે વેબસાઇટ www.gujaratinformation.net

અંકમાં તંત્રી શ્રી અશોક કાલરિયાએ જણાવ્યું છે કે, ઓગસ્ટ એટલે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ધાર્મિક અને સ્વાતંત્ર્ય પર્વ જેવા રાષ્ટ્રીય તહેવારનો મહિનો, રાજયનાં વિવિધ નગરોમાં જન્માષ્ટમી દરમિયાન લોક સંસ્કૃતિના પ્રતીક સમાન યોજાતા લોકમેળાઓમાં લાખો લોકો ઉત્સાહભેર ઉમટી પડતા હોય છે. ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની રાજયમાં શાનદાર ઉજવણી થઇ. છોટાઉદેપુરની ખમીરવંતી ભૂમિ પર રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રાજયના નવયુવાનો તથા મહિલાઓ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંવાદ કરી રાજય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું.

છેલ્લા પખવાડિયામાં ગુજરાતને ગૌરવ અપાવતી બે મહત્વની ઘટના બની. ખ્યાતનામ મેગેઝીન 'ટાઇમ' દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ૧૦૦ પ્રવાસન સ્થળોમાં ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષ ર.૦ માં ગુજરાતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રાજયમાં જળસંચય ક્ષેત્રે કરવામાં આવેલા અનેક ભગીરથ પ્રયાસોના પરિણામે આજે ગુજરાત જળવ્યવસ્થાપન ક્ષેત્રે દેશને દિશા ચીંધી રહ્યો છે.

પાંચમી સપ્ટેમ્બર એટલે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ. જેને સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે છેલ્લાં ત્રણ વર્ષોમાં અનેક ક્રાંતિકારી નિર્ણયોનો પરિણામલક્ષી અમલ કર્યો છે. રાજય તેમજ દેશના શિક્ષણ ક્ષેત્રમાં અનેક મહાપુરૂષો, શિક્ષકો, પ્રબુદ્ધોનું યોગદાન રહ્યું છે. પ્રસ્તુત અંકમાં રાજયના શિક્ષણ જગત સાથે સંકળાયેલા તજજ્ઞોએ પોતાના વિચારો વ્યકત કર્યા છે. આશા છે કે, માહિતપ્રદ શિક્ષકદિન વિશેષાંક વાંચક મિત્રોને ઉપયોગી બની રહેશે. તેમ શ્રી અશોક કાલરિયાએ જણાવ્યું છે. વધુ માહિતી માટે ફોન નં. ૦૭૯-ર૩રપ૩૪૪ર અથવા ર૩રપ૩૪૪૦ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(3:46 pm IST)