Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

નર્મદા ડેમની સપાટી ૧૩૫ મીટરના ઐતિહાસિક સ્તરે

બે વર્ષથી વધુ સમય માટે પાણીની સમસ્યાનો અંત : સરદાર સરોવર બંધની નક્કી સપાટી ૧૩૮.૬૨ મીટરની છે : આવક હજુય વધશે : ગુજરાતભરમાં ખુશીનું મોજુ

અમદાવાદ, તા.૨ : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની સપાટી ૧૩૫ ફૂટની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. સરકારના ટોચના સુત્રો મુજબ, સપ્ટેમ્બરના પહેલા વીકમાં નર્મદાની સપાટી ૧૩૮ મીટર સુધી લઈ જવાનું આયોજન છે. જો હજુ પણ આ જ રીતે ઉપરવાસમાં વરસાદ પડશે અને નવા નીરની આવક થશે તો આગામી ચારથી પાંચ દિવસમાં નર્મદાની સપાટી ૧૩૮ મીટર સુધી પહોંચશે. નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઇ જતાં હવે રાજ્યમાં બે વર્ષ સુધી પાણીની કટોકટીમાંથી મુક્તિ મળશે. ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની કુલ સપાટી ૧૩૮.૬૨ મીટર છે. નર્મદા બંધના ઉપરવાસમાંથી ૨ લાખ ૧૮ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમના ૧૦ દરવાજા ૧.૫ મીટર ખોલવામાં આવ્યા છે. જેમાંથી ૧ લાખ ૮૮ હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદાનો ગોરા બ્રિજ ફરીવાર ડૂબી ગયો છે.

     જો, નર્મદાની સપાટી ૧૩૮ મીટર પર પહોંચશે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારના આસપાસના ૧૦ ગામો ડૂબી શકે તેમ છે. હાલ તેમના પુનર્વસનની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે. હાલ નર્મદા બંધ પર આરબીપીએચના ૬ ટર્બાઇનમાંથી ૨૮ હજાર ૭૬૪ મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે સીએચપીએચના ૪ યુનિટ ચાલુ કરાતા ૪ હજાર ૮૧૧ મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. આમ લગભગ ૩૩ હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદા ડેમમાં હાલ ૪૬૭૦ મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે.

       જે દરવાજા લાગ્યા બાદ સૌથી વધુ જળ સંગ્રહ છે. તેમજ આગામી દિવસોમાં રાજ્યની ૧૮ લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે. હાલ નર્મદા બંધ ૮૫ ટકા ભરાઈ જતા નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાએ પણ ખુશી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીની સૂચના મુજબ કેનાલમાં ૨૦ હજાર ક્યૂસેક પાણી છોડી રાજ્યના ૧૦૮ તળાવો અને સાબરમતી સહિત ૪ જેટલી નદીઓ પણ ભરવામાં આવી રહી છે. નર્મદા ડેમ છલોછલ થતાં ખેડૂતોની સિંચાઇ અને ખેતીના પાણીની ચિંતા હાલ પૂરતી તો મટી ગઇ છે, ડેમની જળસપાટી અને પાણીનો સંગ્રહ જોતાં સરકાર અને તંત્રએ પણ બહુ મોટી રાહતનો દમ લીધો છે. નર્મદા ડેમમાં સતત પાણી વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરી હતી અને આનાથી પાણીની સમસ્યા હલ થશે.

(8:06 pm IST)