Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ સત્સંગ કરવા જતો ત્યારે ૨ મહિલા તેની સાથે રહેતીઃ અમદાવાદના ચાંદખેડામાં મકાન ભાડે રાખીને રહેતો હતો

અમદાવાદઃ ઢબુડી માતાને લઇને દરરોજ નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ પણ હાલ ધનજી ઓડની શોધખોળ કરી રહી છે. જો કે, ગઇકાલે પેથાપુરની પોલીસ ધનજી ઓડના ઘરે પહોંચી હતી. કોઈ ન મળતાં પોલીસ ઘરની બહાર નોટીસ ચોંટાડીને પાછી ફરી હતી. તો બીજી તરફ ધનજી ઓડ ચાંદખેડા ખાતે અન્ય એક માકાનમાં ભાડે રહેતો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા તેને ત્યાંથી મકાન ખાલી કરી ભાગવું પડ્યું હતું. ધનજી ઓડની સાથે હંમેશા બે મહિલા રહેતી હતી. જ્યારે ધનજી ઓડ સત્સંગ કરવા જતો ત્યારે બે મહિલા સાથે રહેતી હતી.

ગઢડાના ભીખાભાઈ માણીયાએ પોતાના કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. ભીખાભાઈના દીકરાનું 11 માર્ચ, 2016ના રોજ કેન્સરથી મોત થયું હતું. ધનજી ઓડે દાવો કર્યો હતો કે, દવા બંધ કરી દો, તેના આશિર્વાદથી કેન્સર મટી જશે. મૃત્યુના 3 વર્ષ બાદ ફરિયાદ નોંધાવાઈ છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે પોલીસ હાલ ધનજી ઓડની શોધખોળ કરી રહી છે. જેને લઇને પેથાપુર પોલીસની એક ટીમ ધનજી ઓડના ચાંદખેડા ખાતે આવેલા દીપકુંજ નિવાસ્થાને પણ ગઇ હતી જ્યાં ઘરે કોઇ ન મળતાં પોલીસ તેના ઘરની બહાર નોટીસ ચોંટાડી પાછી ફરી હતી.

આ અગાઉ 2018માં રૂપાલ ગામના સરપંચ અને રહીશોએ પણ ઢબુડી માતા ભુવો બનીને અંધશ્રદ્ધા ફેલાવે છે તેવી અપીલ કરી હતી. રૂપાલ ગામના લોકોએ ધનજી ઓડને ગામમાંથી કાઢી મૂકીને પોલીસે જાણ કરી હતી. રૂપાલમાં બાધા લઈને આવનારી મહિલા દ્વારા ધનજીને ભુવાજી કહીને સંબોધવામાં આવતાં તેણે ચપ્પલ મોઢામાં નખાવીને પરીક્ષા લીધી હતી. યુ ટ્યુબમાં વીડિયો વાયરલ થયા પછી ગામના લોકોએ ધનજીને ગામ બહાર કાઢી મુક્યો હતો. ગામમાંથી કાઢી મુકાયા બાદ ઓગસ્ટ 2018માં ચાંદખેડા ખાતે આવેલ સકલ રેસીડેન્સીમાં ધનજી ઓડ ભાડે મકાન રાખીને રહેતો હતો.

વિનોદ પરમાર નામના વ્યક્તિના ઘરમાં ધનજી ઓડ ભાડે રહેતો હતો. ધનજી ઓડ તેની પત્ની અને તેના ભાઇ સાથે અહીં રહેતો હતો. ધનજી ઓડ સાથે હંમેશા બે મહિલા રહેતી હતી. જ્યારે પણ ધનજી ઓડ સત્સંગ કરવા જતો ત્યારે આ બે મહિલા તેની સાથે જ રહેતી હતી. આ બંને મહિલાઓ ધનજી ઓડ સાથે બે ઢીંગલીઓ લઇને રહેતી હતી. જો કે, ધનજી ઓડની ગતિવિધિઓથી પરેશાન થઇને સ્થાનિક લોકોએ તેની વિરૂદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેના સામે ફરિયાદ નોંધાતા ધનજી ઓડે ત્યાંથી મકાન ખાલી કરી દીધુ હતું.

ધનજીના સાથીદારોમાં પૈસા બાબતે વિખવાદ

ધનજીની ખ્યાત દેશ-વિદેશમાં વધી જતાં નાણાની રેલમછેલ થવા લાગી હતી. આથી, પૈસાના વહીવટને લઈને છેલ્લા કેટલાય સમયથી અંદરો-અંદર વિખવાદ શરૂ થયો હતો. ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના નામે ઘણા લોકો સામાન્ય લોકો પાસેથી પૈસા પડાવતા હતા. પેથાપુર પોલીસે હવે વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને તેણે ક્યારથી ઢીંગલી માતાનું રૂપ ધારણ કર્યું હતું તેની ઉલટ તપાસ હાથ ધરી છે.

(4:43 pm IST)