Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

મહુધા-ડાકોર ચોકડી નજીક કેરોસીન કાળા બજાર કરનાર ચાર ઈસમોની ધરપકડ

મહુધા:મહુધા-ડાકોર ચોકડી પરથી મધરાત્રે છોટા હાથીમાં જાહેર વિતરણનું કેરોસીન કાળા બજારમાં સગેવગે કરવા જતા ચાર ઈસમોને મહુધા પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ચારે ઈસમોની અટક કરી પૂછપરછ હાથ ધરી છે. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા-ડાકોર ચોકડી પર પોલીસ નાકાબંધીમાં હતી. આ દરમ્યાન રાત્રીના ૧૨:૩૦ વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે આવતા છોટાહાથી નં. જીજે ૭ યુયુ ૩૨૮૯ને ઊભો રખાવી તલાશી લેતા ટેમ્પામાં પતરાના બેરલમાં કેરોસીન હોવાનું જણાઈ આવ્યું હતું. 

જેથી ટેમ્પા ચાલક પાસે કેરોસીનનું બિલની માંગણી કરતા ટેમ્પા ચાલકે રજૂ કરી શકેલ નહીં કે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી મહુધા પોલીસે ટેમ્પા ચાલક સહિત ચારે ઈસમોની અટક કરી પૂછપરછ કરતા અતુલ ઉર્ફે લાલો વિઠ્ઠલભાઈ પટેલ, નિરવ દિનેશભાઈ પટેલ, રીતેષ કનુભાઈ પટેલ તથા વિજયભાઈ દિનેશભાઈ પટેલ (રે. રામના મુવાડા) હોવાનું જણાવ્યું હતું. ટેમ્પામાં ભરીને લઈ જવાનું કેરોસીન જાહેર વિતરણનું રેશનીંગનું હોવાનું તેમજ આ કેરોસીન રાત્રી સમયે કાળા બજારમાં સગેવગે કરવા લઈ જવાનું હોવાનું જણાઈ આવેલ છે. જેથી પોલીસે કેરોસીન લિટર ૨૦૦ કિંમત રૂ. ૫૬૦૦ તથા ટેમ્પો રૂ. બે લાખનો મળી કુલ રૂ. ૨,૦૫,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(2:36 pm IST)