Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

અમદાવાદઃ રિંગ રોડ પર કોમર્શિયલ વાહનોના ટોલ ટેક્સમાં રૂપિયા 10 સુધીનો વધારો

ખાનગી કાર-જીપ-વાનનો ટોલટેક્સ શરૂ થયાની અફવાથી અધિકારીઓ ત્રસ્ત

અમદાવાદ: ઔડા નિર્મિત સરદાર પટેલ રિંગ રોડ પર કોર્મશિયલ વાહનો પાસેથી વસૂલ કરાતાં ટોલ ટેક્સમાં રૂ. બેથી ૧૦નો વધારો ઝીંકવામાં આવ્યો છે. રિંગ રોડ બનાવવા ઔડાએ બીઓટી ધોરણે કામ આપ્યું હતું. રોડનાં નિર્માણમાં જોડાયેલાં કોન્ટ્રાક્ટરોને ટોલ ટેક્સ વસૂલ કરવા સત્તા સોંપાઇ હતી. રિંગ રોડ ટ્રાન્સપોર્ટરો અને ટ્રાવેલ્સ વ્યવસાયીઓ માટે આશીર્વાદરૂપ છે પરંતુ રોડની બન્ને બાજુએ રહેતાં નાગરિકોએ ટોલ ટેક્સ સામે વિરોધ કર્યો હતો.

વર્ષો સુધી ટોલ ટેક્સ વસૂલાત કરી લેવાયાં બાદ ભાજપ સરકારે ૧૨ ઓક્ટોબર, ૨૦૧૭નાં રોજ તમામ સ્ટેટ હાઇવે અને ઔડા નિર્મિત રિંગ રોડ પર ખાનગી કારચાલકો પાસેથી લેવાતાં ટોલ ટેક્સમાંથી મુક્તિ જાહેર કરી હતી. આ જાહેરાત ચૂંટણીલક્ષી હોવા છતાં ટોલ ટેક્સમાંથી મુક્તિ મળતાં નાગરિકોમાં આનંદની લાગણી છવાઇ હતી.

ખાનગી કાર સિવાયનાં લાઇટ કોમર્શિયલ વ્હીકલ, બસ, ટ્રક, મલ્ટીએક્સલ વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવાનું જારી હતું. પરંતુ ઔડા દ્વારા બીઓટી ધોરણે બનાવવામાં આવેલાં રિંગ રોડનાં કોન્ટ્રાક્ટરો માટે ટેન્ડરની ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ નવા રિંગ રોડ પર ટોલ ટેક્સનાં દરમાં વધારો-ઘટાડો કરવા દર સપ્ટેમ્બર મહિનામાં સમીક્ષા કરવામાં આવે છે અને તેના માટે ચોક્કસ ફોર્મ્યુલાનો આધાર લેવાય છે. તે મુજબ ચાલુ વર્ષે ૧લી સપ્ટેમ્બરથી ખાનગી કાર સિવાયનાં કોમર્શિયલ વાહનો પાસેથી લેવાતાં ટોલ ટેક્સમાં રૂ. બેથી ૧૦ સુધીનો વધારો કરાયો છે.

દરમિયાનમાં ઔડાનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, બીઓટી ધોરણે બનાવાયેલાં રિંગ રોડમાં રોડ રિસરફેસ સહિતનાં જે ખર્ચ થાય તે પણ ગણવા પડે અને તેના કારણે જ ટોલ ટેક્સમાં નજીવો વધારો કરવામાં આવે છે. કોમર્શિયલ વાહનો માટે નવા દર જાહેર કરાયાં તેના કારણે ખાનગી કારચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલ કરવાનું શરૂ કરાયુ હોવાની અફવા ફેલાઇ છે, પરંતુ રાજ્ય સરકારે જે મુક્તિ જાહેર કરી છે તે મુજબ અમલ ચાલુ રાખવામાં આવે છે. દર વર્ષે સપ્ટેમ્બર માસના આરંભે જે સમીક્ષા થઇ તેની જાહેરાતમાં કારનાં દર પણ લખવામાં આવ્યા હોવાથી આ સમસ્યા સર્જાઇ છે.

(10:52 am IST)