Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ગુજરાતના અનેક ભાગોમાં પાટીદારોની અટકાયત થઇ

પોલીસનું પાટીદાર મહિલાઓ સાથે અણછાજતુ વર્તન : રાજ્યના મહેસાણા તેમજ સાબરકાંઠા સહિતના સ્થળોએ પાટીદારોની મોટાપાયે અટકાયત : ૬૦થી વધુની ધરપકડ

અમદાવાદ, તા.૨ :  હાર્દિકના આમરણાંત ઉપવાસના આજના નવમા દિવસે આજે મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના વિવિધ સ્થળોએથી ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો અને ખેડૂતો નીકળ્યા હતા પરંતુ પોલીસે રસ્તામાં જ તેઓને આંતરી લઇ પાટીદારોની મોટાપાયે અટકાયત કરી હતી. કેટલાક સ્થળોએ તો, પોલીસે મહિલા પાટીદારો સાથે અણછાજતું વર્તન કરતાં ફરી એકવાર પોલીસ તંત્ર પરત્વે પાટીદારોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગઢોડા ગામથી માં ઉમિયાના રથ સાથે ૩ હજાર પાટીદારો અને ખેડૂતો અમદાવાદ આવવા નીકળ્યા હતા,ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર ફફડી ઉઠયુ હતું, તેથી તેઓને તલોદ રોડ પર અટકાવી દેવામાં આવ્યા હતા. જિલ્લાની એસઓજી, એલસીબી, ક્યુઆરટી અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ખડકીને અમદાવાદ જઈ રહેલા પાટીદારોને રોકી દેવામાં આવ્યા હતા. પોલીસે પદયાત્રીઓને મંજૂરી મેળવીને જવા માટે આગ્રહ રાખતા તેના વિરોધમાં માતાજીનો રથ લઈને નીકળેલા પાટીદારો અને ખેડૂતો જેમાં મહિલાઓ પણ સામેલ હતી,  તેઓ રોડ પર બેસી ગયા હતા. જેને પગલે પોલીસે ૬૦થી વધુ પાટીદારોની અટકાયત કરી હતી, જેમાં મહિલાઓને પણ અટકાયત કરાઇ હતી. મહિલા પાટીદારો સાથે પોલીસના અણછાજતા વર્તનને લઇ ફરી એકવાર પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. આ જ પ્રકારે મહેસાણામાં પણ હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ કરી રહેલા ૧૪થી વધુ પાટીદારોની અટકાયત કરાઇ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ શાંત પડી ગયેલું પાટીદાર અનામત આંદોલન હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઇ ફરી સક્રિય બની રહ્યું છે. આજે શીતળા સાતમના તહેવાર વચ્ચે પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં મહેસાણામાં રામધૂન બોલાવી હતી. મહેસાણાના ટહુકો પાર્ટી પ્લોટ નજીક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ આપતા પોલીસે મહેસાણાના પાસ કન્વીનર સુરેશ ઠાકરે, સતીશ પટેલ અને નરેન્દ્ર પટેલ, અન્ય પાટીદારો મળીને કુલ ૧૪ની અટકાયત કરી હતી. હાર્દિકના સમર્થનમાં પાટીદારોએ એક દિવસના પ્રતિક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ યોજી સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. નવ-નવ દિવસ બાદ પણ સરકાર તરફથી કોઇ કાર્યવાહી નહીં થતાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પાટીદારો ફરી મેદાનમાં આવી ગયા છે અને હાર્દિકના સમર્થનમાં ગામેગામ પ્રતિક ઉપવાસ અને ધૂન સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શનિવારે પાટીદારોના ઉપવાસના મેસેજ વાયરલ થતાં વિસનગર મામલતદાર કચેરીમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા હતા. તો મહેસાણાના પરામાં રાત્રે રામધૂન યોજાઇ હતી. ઊંઝાના ટુંડાવ ગામે પોલીસે ઉપવાસ સ્થળ સામે વાંધો લેતાં પાટીદારોએ મંદિરમાં બેસીને શિવધૂન કરી હાર્દિકને સમર્થન આપ્યું હતું. તો વિસનગરના વાલમ, દેણપ તેમજ વિજાપુરના રામપુરા કોટ, મોતીપુરા સહિતના ગામોએ પ્રતીક ઉપવાસ અને ધૂનના કાર્યક્રમ યોજી સરકાર સામે શાંત મોરચો ખોલી દીધો છે. જેને લઇ સરકાર અને પોલીસની ચિંતા વધી ગઇ છે અને આઇબીને વધુ સક્રિય થવા આદેશ કરાયા છે. ઊંઝા ખાતે ઉમિયા માતાજી સંસ્થાનની ગઇકાલે મળેલી જનરલ સભામાં હિસાબો સહિત સૂચિત એજન્ડાની સાથે હાર્દિક પટેલને સમર્થનનો મુદ્દો પણ ચર્ચાયો હતો. હાર્દિકની નવમા દિવસે તબિયત વધુ લથડતાં તેની ચિંતામાં અને તેના સમર્થનમાં રાજયભરના ખૂણેખૂણેથી હવે લોકો ઉમટી રહ્યા છે અને હાર્દિકને વિશાળ જનસમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે ત્યારે સરકારની ચિંતા વધી છે અને કયાંક હાર્દિક ફરી એકવાર હીરો ના બની જાય તેની ચિંતામાં ઉપવાસ આંદોલન સમેટાવાની વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત બની છે.

(9:18 pm IST)