Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

હાર્દિકે લેખિતમાં વસિયતનામું કર્યું, નેત્રદાન કરવા માટે ઇચ્છા

વસિયતનામાને લઇ સમાજમાં ભારોભાર પ્રશંસા : ૨૦-૨૦ હજાર માતા-પિતાને અને ૩૦ હજાર વીરપુરની ગૌશાળામાં આપવા ઇચ્છા : શહીદોને રકમ માટે લખાણ

અમદાવાદ, તા.૨ :  પાસના કન્વીનર હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસના આજના ૯મા દિવસે લથડેલી તબિયત અને ચિંતાજનક સ્વાસ્થ્યની સ્થિતિ વચ્ચે પોતાનું વસિયતનામું લેખિતમાં જાહેર કર્યું હતું. હાર્દિકે વસિયતનામાના વારસદાર તરીકે તેના માતા-પિતાને જાહેર કરી નેત્રદાન કરવાની ઇચ્છા જાહેર કરી હતી. હાર્દિકે તેના વસિયતનામામાં મોટાભાગનો હિસ્સો પાટીદાર સમાજ અને પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા ૧૪ પાટીદારોને આપવા જાહેરાત કરતાં પાટીદાર સમાજમાં હાર્દિકના ઉદાર દિલની ભારોભાર પ્રશંસા થઇ રહી હતી. હાર્દિક પટેલ ઉપવાસના નવમા દિવસે તે બહુ અશક્ત થઈ ગયો છે અને તેનું સ્વાસ્થ્ય ગંભીર રીતે કથળી રહ્યું છે. ખુદ ડોકટરોએ તેને ૪૨ કલાકમાં હોસ્પિટલમાં દાખલ કરવાની ચેતવણી આપી છે ત્યારે તેણે પોતાનું વસિયતનામું જાહેર કર્યું છે. જેમાં તેનું ઉપવાસ દરમિયાન નિધન થાય તો નેત્રદાન કરવાની ઈચ્છા જાહેર કરી છે. મિલકત સહિતના તેણે તેના પિતા ભરતભાઈ અને માતા ઉષાબેનને વારસદાર તરીકે જાહેર કર્યા છે. ઉપવાસ દરમિયાન તેનું નિધન થાય તો ખાનગી કંપનીના વીમાની રકમ, બેંકમાં જમા રકમમાંથી રૂ.૨૦ હજાર બંનેને અને રૂ.૩૦ હજાર વીરપુરની ગૌશાળામાં અને તેના જીવન આધારિત લખેલી બુકની રોયલ્ટીમાંથી તેના માતાપિતા, બહેન અને ૧૪ પાટીદાર શહીદના પરિવારને આપવાની જાહેરાત કરી હતી. હાર્દિક પટેલનું તેજ ઓછું થઈ રહ્યું છે અને અશક્ત અને આંખો પણ અંદર ઘૂસી ગઈ છે તેવી સ્થિતિમાં તેણે પોતાનું વસિયતનામાં જાહેર કર્યું હતું. પાસના કન્વીનર મનોજ પનારાએ તેના વસિયતનામાને લઈને જણાવ્યું હતું કે, હાર્દિકે તેની ઈચ્છાથી વસિયતનામું કરેલું છે. જેમાં તેની માતા અને પિતાને વારસદાર નીમ્યાં હતાં. એક્સિસ બેંકના ૫૦ હજારનું બેલેન્સ, મેક્સ લાઈફ ઈન્સ્યુરન્સની રકમ, હુ ટુક માય જોબ નામની લખાઈ રહેલી બુકની રોયલ્ટી આવે તો તેમાંથી તેના માતા-પિતા, બહેન અને અનામત આંદોલનમાં શહીદ થયેલા ૧૪ પાટીદારોના પરિવારને આપવી. બેંકમાં જમા રકમમાંથી ૨૦ હજાર તેના માતાપિતા અને ૩૦ હજાર તેના ગામ પાસે આવેલા વીરપુરની ગૌશાળામાં આપવા વસિયતનામામાં લખ્યું છે. ભાજપના પ્રવક્તાઓ અને સોશિયલ મીડિયામાં તેના પર લગાવવામાં આવેલા આરોપોને હાર્દિકે તેના વસિયતનામામાં નકારી દીધા હતા. તો સાથે જ હાર્દિકે તેનું ઉપવાસ દરમિયાન મોત થાય તો નેત્રદાન કરવાની ઈચ્છા જાહેર કરી હતી. હાર્દિકના જીવન આધારિત બુકમાંથી ખરબો રૂપિયાની રોયલ્ટી મળવાનો અંદાજ હાર્દિકે રાખ્યો છે. ત્યારે તેના જાહેર જીવન જ તેમાં હશે કે અંતરંગ તે પણ જોવું રહ્યું. બીજીબાજુ, હાર્દિકના વસિયતનામું જાહેર થયા બાદ હાર્દિકની પાટીદાર સમાજ માટેની ભાવના અને ઉદારદિલને જોઇ ભારોભાર પ્રશંસા થઇ રહી છે.

(9:17 pm IST)