Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજયની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હંગામી ધોરણે વર્ગ વધારો કરવા લેવાયો નિર્ણય

રાજય શાળા સંચાલક મહામંડળની અંશત: માંગણીનો સરકારે સ્વિકાર કર્યો :મંજુર થયેલી વર્ગોની મંજુરી એક વર્ષ બાદ આપોઆપ રદ થઈ જશે

અમદાવાદ :  રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને હંગામી ધોરણે વર્ગ વધારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની દરખાસ્ત પર સરકારે મંજુરીની મહોર મારી છે. જેથી હવે ચાલુ વર્ષ માટે ધોરણ-11 અને ત્યાર પછીના એટલે કે 2022-23માં ધોરણ-12 માટે હંગામી વર્ગ વધારો આપવામાં આવશે. આ વર્ગ વધારા માટે ગ્રાન્ટેડ સ્કૂલોને વધારાની કોઈ ગ્રાન્ટ મળશે નહીં. ઉપરાંત મંજુર થયેલી વર્ગોની મંજુરી એક વર્ષ બાદ આપોઆપ રદ થઈ જશે. હંગામી ધોરણે વર્ગ વધારો આપવાની સત્તા પણ જિલ્લા શિક્ષણાધિકારીને આપવામાં આવી છે.

 ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ તરફથી ધો.9 અને 11માં હંગામી વર્ગવધારો આપવાની રજૂઆત કરાઇ હતી. તેમાંથી સરકારે અંશત: સ્વિકાર કર્યો છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિના પગલે સરકાર દ્વારા ધોરણ-10ની બોર્ડની પરીક્ષા રદ કરી ધોરણ-10માં ભણતા અંદાજે 8.57 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશનના કારણે વર્ષ 2020-21માં ધોરણ-10માં ભણતા વિદ્યાર્થીઓ પાસ થઈને ધોરણ-11માં પ્રવેશ પાત્ર જાહેર કરવામાં આવ્યા છે. જેને કારણે વર્ષ 2021-22માં ધોરણ-11માં વધુ વર્ગો મંજુર કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં તદ્દન કામચલાઉ ધોરણે વર્ષ 2021-22 માટે ધોરણ-11ના પ્રથમ વર્ગ અને વર્ગ વધારા માટે તથા વર્ષ 2022-23 માટે ધોરણ-12ના વર્ગ વધારાની મંજુરી જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાએથી હંગામી ધોરણે મંજુર કરવાની મંજુરી આપવા કમિશનર શાળાઓની કચેરીએ દરખાસ્ત કરી હતી.

સરકાર સમક્ષ કરેલી દરખાસ્ત પર મંજુરીની મહોર મારવામાં આવી છે. આ અંગે સરકાર દ્વારા ઠરાવ બહાર પાડી જણાવાયું છે કે, રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તદ્દન કામ ચલાઉ ધોરણે વર્ગોને હંગામી મંજુરી આપવામાં આવશે. જેમાં વર્ગોની મંજુરી તદ્દન કામ ચલાઉ રહેશે, તથા ધોરણ-11ના પ્રથમ વર્ગ અને વર્ગ વધારા માટે વર્ષ 2021-22 અને ધોરણ-12ના પ્રથમ વર્ગ અને વધારાના વર્ગ માટે વર્ષ 2022-23 પુરતા જ વર્ગ વધારા મંજુર કરવાના રહેશે.

ધોરણ-11ના પ્રથમ ક્રમિક વર્ગ માટે જગ્યાની સગવડને ધ્યાને લેતા પ્રતિવર્ગ દીઠ 75 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. જ્યાં વધુ સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં શાળાના વડા પોતાની વિવેકબુધ્ધિ અનુસાર પ્રવેશ આપી શકશે. કામચલાઉ વર્ગ વધારા માટે પ્રથમ વર્ગ માટે ન્યુનતમ વિદ્યાર્થી સંખ્યા 75 રહેશે. ત્યારબાદ અન્ય વર્ગોની જરૂરીયાત ઉભી થાય તો શાળાની ભૌતિક સુવિધાને ધ્યાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ઓછામાં ઓછી 24 વિદ્યાર્થી સંખ્યા અને શહેરી વિસ્તારમાં 36 વિદ્યાર્થી દીઠ વર્ગ વધારો આપી શકાશે.

આ કામચલાઉ વર્ગો માટે સરકાર દ્વારા કોઈ પણ નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવશે નહીં. કામચલાઉ વર્ગો માટેની મંજુરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કક્ષાએથી સરકારના નિયમો અનુસાર અને શાળાની ભૌતિક સુવિધા અને વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઈને આપવામાં આવશે. હંગામી મંજુર થયેલા વર્ગોને મળેલી મંજુરી એક વર્ષ બાદ આપોઆપ રદ થઈ જશે.

(9:40 pm IST)