Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગાંધીનગર શહેર નજીક માનસિક અસ્વસ્થ યુવતી પર ગામના જ ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

ગાંધીનગર:શહેર નજીક આવેલા ગામમાં માનસિક અસ્વસ્થ યુવતિ સાથે ગામના જ ત્રણ યુવાનોએ દુષ્કર્મ આચર્યાની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં રોષ જોવા મળ્યો છે. યુવતિ નિત્યક્રમ મુજબ સાંજે ચાલવા માટે નીકળી હતી ત્યારે ગામના જ ત્રણ યુવાનો દ્વારા દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘરે પહોંચેલી યુવતિએ સમગ્ર હકીકત તેની માતાને જણાવ્યા બાદ પરિવારજનોએ પણ યુવતિ સાથે દુષ્કૃત્ય આચરનાર શખ્સોને શોધવાનું શરૃ કર્યું હતું અને તપાસ કરતાં ગામના જ વિનુજી લખાજી ઠાકોરપરબતજી હોથાજી ઠાકોર અને લાલાજી ઉર્ફે મરઘી મણીલાલ ઠાકોર હોવાનું જણાયુ હતું. જેના પગલે યુવતિની માતાએ ડભોડા પોલીસમાં પુત્રી સાથે દુષ્કર્મની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આઠ દિવસના રીમાન્ડ ઉપર લીધા છે. આ દરમ્યાન પોલીસે આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું અને ગામમાં સીમેન્ટ ફેકટરી પાસે જુવારના ખેતરમાં લાલા ઉર્ફે મરઘીએ દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્રોને બોલાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં પોલીસે આ ગુનામાં ગંભીરતાથી તપાસના ભાગરૃપે આરોપીઓના કોલ ડીટેઈલ રેકોર્ડની પણ વિગતો મંગાવી છે. રીમાન્ડ પુરા થતાંની સાથે જ તેમને ફરીવાર કોર્ટમાં રજુ કરવામાં આવશે. 

(6:18 pm IST)