Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

અમદાવાદમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેર પહેલા ઓક્સિજન અને બેડની કોર્પોરેશન તંત્ર દ્વારા સુવિધા ઉપલબ્ધ

ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. ક્વોટાના બેડ રિઝર્વ રાખવા વિચારણા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંભવિત કોરોના વાયરસની ત્રીજી લહેને ધ્યાનમાં રાખી તમામ પ્રકારની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જે રીતે બીજી લહેરમાં શહેરના હોસ્પિટલોમાં ઓક્સિજન ખુટી પડતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તે પરિસ્થિતિ આગામી સમયમાં ન થાય તેના માટે એસવીપી, વીએસ, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં અત્યાર સુધી ઓક્સિજનની જુદીજુદી કેટેગરીના 1,006 બેડ હતા જેમાં 1,241 બેડનો વધારો કરવા નિર્ણય કર્યો છે. આ સાથે હવે મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં ઓક્સિજન, આઈસીયુ વેન્ટિલેટર વગર અને આઈસીયુ વેન્ટિલેટર સહિત બેડની સંખ્યા 2,247 થશે.

ત્રીજી લહેરને ધ્યાને રાખી અત્યારથી જ રેમડેસિવિર, ટોસિલિઝુમેબ, એન્ટિવાઈરલ અને એન્ટિબાયોટિક દવાઓની ખરીદી કરવા પ્લાનિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત ઓક્સિજન સપ્લાય માટે પીએસએ પ્લાન્ટ, ઓક્સિજન કોન્સનટ્રેટર અને જુદી જુદી ઓક્સિજન એજન્સી સાથેનું કોઓર્ડિનેશન કરવા અધિકારીઓને જવાબદારી સોંપી છે. ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવા અને ખાસ કરીને પિડિયાટ્રિક આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

ડેપ્યુટી મ્યુનિ. કમિશનર પ્રવીણ ચૌધરીએ કહ્યું કે, મ્યુનિ. ની પ્રાયોરિટી ઓક્સિજન બેડની જુદી જુદી કેટેગરીના બેડ વધારવાનો છે. હાલ નોર્મલ ઓક્સિજન બેડ, વેન્ટિલેટર બેડ વધારવા ઉપર ભાર મૂક્યો છે. બીજી વેવમાં ખાનગી હોસ્પિટલોમાં 20 ટકા એએમસી ક્વોટાના બેડ રિઝર્વ રખાયા હતા. જેનું પેમેન્ટ હજુ થયું નથી. તાજેતરમાં ડીવાયએમસીની અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીની બેઠક મળી હતી જેમાં જરૂર જણાશે તો ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. ક્વોટાના બેડ રિઝર્વ રાખવા વિચારણા થઈ હતી.

(5:29 pm IST)