Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

હાલમાં કોઇ વરસાદની સિસ્‍ટમ એક્‍ટિવ નથી, કાલથી હજી પણ વરસાદની માત્રા ઘટશેઃ હવામાન વિભાગના ઇન્‍ચાર્જ ડાયરેક્‍ટર મનોરમા મોહંતીની જાહેરાત

રાજ્‍યના તમામ જળાશયોમાં માત્ર 47.35 ટકા પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધઃ કચ્‍છ-ઉત્તર ગુજરાતના જળાશયોમાં સૌથી ઓછુ પાણી

અમદાવાદ: ગુજરાતમાં બે દિવસથી વરસાદ લગભગ ગાયબ છે. કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ આવી રહ્યો છે. દરેક જિલ્લામાં બહુ જ ઓછો વરસાદ છે. ત્યારે લોકો ફરી આકાશ તરફ મીટ માંડીને બેસ્યા છે કે વરસાદ ક્યારે આવશે. ત્યારે હવામાન વિભાગ વરસાદની આગાહી કરતા કહ્યુ કે, હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. બે દિવસ બાદ વરસાદ આવી શકે છે. રાજ્યમાં આજ દિન સુધી 35.84 ટકા જ વરસાદ પડ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ 30.98 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 33.93 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 33.55 ટકા વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 35.84 ટકા વરસાદ થયો છે.

મેટ ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 24 રાજયમાં છૂટો છવાયો વરસાદ આવી શકે. આવતીકાલ બાદ વરસાદ હજી પણ ઓછો થશે. તો ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની અસર ઓછી થશે. રાજ્યમાં ભારે વરસાદ આવે એવી કોઈ સિસ્ટમ હાલ અસ્તિત્વમાં નથી. રાજ્યમાં હજીપણ 36 ટકા વરસાદની ઘટ ઓછી છે. ઉત્તર પ્રદેશની દક્ષિણમાં એક લો પ્રેશર છે, જેના કારણે સામાન્ય વરસાદ આવી રહ્યો છે. પરંતુ બે દિવસ બાદ સારો વરસાદ આવશે. 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

રાજ્યમાં જળાશયોની સ્થિતિ

રાજ્યના તમામ જળાશયોમાં હાલ માત્ર 47.35 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં સૌથી ઓછું પાણી છે.

- કચ્છના 20 ડેમોમાં માત્ર 23.72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

- ઉત્તર ગુજરાતના 3 ડેમોમાં 24.52 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

- મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.89 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે

- દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 57.36 ટકા પાણી ઉપલબ્ધ છે

- સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 41 ટકા જ પાણી ઉપલબ્ધ

- સરદાર સરોવર ડેમમા 46.52 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 99 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોણા એક ઇંચ વરસાદ સુરતના માંગરોળમાં નોંધાયો છે. તો બાકીના તાલુકામાં નહિવત વરસાદ પડ્યો છે.

(4:54 pm IST)