Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગુજરાતમાં આગામી બે દિવસ નેવાધાર વરસાદની આગાહી

ગાંધીનગર તા.૩ : રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, એવામાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી બે દિવસ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. અને ૪ ઓગસ્ટ બાદ રાજયમાં સાર્વત્રિક વરસાદ પડે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે.

બુધવાર બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવું હવામાન ખાતાનું અનુમાન

હવામાન વિભાગ મુજબ સાઉથ વેસ્ટ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પર હળવું દબાણ સર્જાયુ છે. જેથી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જો કે ચાર ઓગસ્ટ બાદ રાજયમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી બાદ હવામાન વિભાગે અત્યાર સુધી પડેલા વરસાદના આંકડા પણ રજૂ કર્યા છે. જેમાં રાજયમાં હજુ પણ જરૂરિયાત કરતાં ૩૬% વરસાદની ઘટ હોવાનો દાવો કર્યો છે. જોકે આવનાર સમયમાં ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરને કારણે વધુ વરસાદની શકયતાઓ સેવાઇ રહી છે. ખેડૂતતો માટે હજુ સુધી ચોમાસું સારું રહ્યું છે. પણ જો વરસાદી ઘટ ન ઘટે તો એટલે કે જો વરસાદ હવે જરૂરિયાત જેટલો ન પડે તો આવનાર સમયમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે. હાલ તો હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે જેથી ખેડૂતોને ફાયદો થશે.

હવામાન વિભાગે ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં ભારે વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૬૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડામાં અને પારડીમાં પોણો ઈંચ વરસાદ જયારે વાપીમાં અને વાંસદામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ ડાંગમાં અડધો અને સુબિરમાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે જયારે વાલોદમાં અને વઘઈમાં અડધો ઈંચ વરસાદ ખાબકયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અનેક જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે રાજયમાં ૧૨ ઈંચ સાથે સિઝનનો ૩૬ ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૨ ઓગસ્ટ સુધી ૧૪ ઈંચ સાથે સિઝનનો ૪૩ ટકા વરસાદ નોંધાઇ ચૂકયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ વરસાદ હજુ ૭ ટકા ઓછો નોંધાયો છે. મહત્વનું છે કે રાજયમાં અત્યાર સુધી સીઝનનો ૩૩ ટકા જ વરસાદ નોંધાયો છે જયારે સૌથી વધુ વરસાદ વલસાડમાં ૩૩.૭૦ ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ૨૦.૨૩ ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ તો ૩૫.૧૯ ટકા વરસાદ નોંધાયો છે.

કચ્છમાં ૫.૨૭ ઈંચ સાથે ૩૦.૨૫ ટકા, ઉત્ત્।ર ગુજરાતમાં ૭.૯૫ ઈંચ સાથે મોસમનો ૨૮.૧૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૦.૫૬ ઈંચ સાથે સિઝનનો ૩૦.૦૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૮.૭૭ ઈંચ સાથે સિઝનનો ૩૧.૮૯ ટકા વરસાદ નોંધાયો છે.

(3:09 pm IST)