Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર, સાણંદમાં ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ પ્રસંગે ઉપસ્થિત રહ્યા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ...

અષાઢ સુદ અગિયારસના દિવસે શરુ થતો ચાતુર્માસ કારતક સુદ અગિયારસના રોજ પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર અષાઢ સુદ અગિયારસે ભગવાન શયન કરતા હોવાથી તેને શયની અગિયારસ અથવા દેવપોઢી અગિયારસ પણ કહેવામાં આવે છે. જયારે કારતક સુદ અગિયારસે ભગવાન જાગતા હોવાથી તેને દેવઉઠી અગિયારસ - પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન ભગવાન પોઢી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતાં નથી. ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમના કૌશલ્ય વિકસાવીને, ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જયારે યોગીઓ સાધના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે. 

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર સાણંદ ખાતે ચાતુર્માસની પાંચ દિવસ શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથની કથાનું રસપાન સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું. ચાતુર્માસની પાંચ દિવસની કથાની પૂર્ણાહિતી શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં ચાતુર્માસનું માહાત્મ્ય સમજાવ્યું હતું. ચાતુર્માસ એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચારમાસને ચાતુર્માસ કહેવાય છે.ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જે કોઈ વિશેષ નિયમો ધારણ કરે છે તે પરલોકમાં તો સુખી થાય જ છે. પરંતુ આ લોકમાં પણ સુખી થાય છે.

આ ચાતુર્માસમાં ઉપવાસ આદિ કરીને તપ કરવાનું શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવેલું છે. અને બીજું કે ચાતુર્માસ દરમ્યાન અનેક ઉત્સવો આવે છે તેથી માનવીને ભગવાનની ભક્તિ કરવાની અનેક તકો સાંપડે છે. તેથી તપ અને ભક્તિ કરીને ચાતુર્માસમાં મોક્ષપદ પ્રાપ્ત કરી શકાય છે. 

આ સમયમાં માણસની ચયાપચયની ક્રિયા એટલે કે પાચન ક્રિયા પણ નબળી પડી જતી હોવાથી આ સમયમાં ઉપવાસનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સમયમાં આવતી તમામ અગિયારસે નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે. પરંતુ કદાચ જો અગિયારસે નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો કમસે કામ ત્રણ અગિયારસ દેવપોઢી અગિયારસ, જળઝીલણી અગિયારસ અને દેવઉઠી અગિયારસના દિવસે નિર્જળા ઉપવાસ કરવા જ જોઈએ તેમ સંતો કહે છે. આ અગિયારસના દિવસે ઉપવાસ કરવાનું એ મહત્વ છે કે આ પ્રકારના ઉપવાસ કરવાથી જીવનમાં ભરપૂર ખુશીઓ આવે છે. 

શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ ચાતુર્માસના મહાત્મ્યનું પ્રતિપાદન કરતાં શિક્ષાપત્રીમાં કહ્યું છે કે,’ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે, ‘ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમો કોઈ એક નિયમ ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો. તેથી આજેય સૌ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી સંતો- ભક્તો આ નિયમો ચાતુર્માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાર્થે અંગીકાર કરે છે. જેનો દેશવિદેશના હજારો હરિભક્તોએ ઓનલાઈન કથા શ્રવણનો લાભ લીધો હતો.

(1:53 pm IST)