Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

નર્મદાની કેનાલમાં નહાવા પડેલા યુવકનું ડૂબી જતા મોત

યુવક મોરબીનો વતની હોવાનું ખુલ્યું : યુવક માતાને મળવા માટે પુણેથી મોરબી જઇ રહ્યો હતો

સુરેન્દ્રનગર, તા. : નર્મદાની કેનલામાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબી જતા તેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હતું. રક્ષાબંધનના તહેવારના દિને એક યુવક કાળનો કોળિયો બની જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલમાં પડેલા બે યુવકોમાંથી એક યુવકને કાળ આંબી ગયો હતો.

આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે કેનાલમાં ન્હાવા પડેલા મોરબીના યુવકનું મોત થયું હતું. પુનાથી કારમાં મોરબી માતાને મળવા જઈ રહેલા યુવકે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે નર્મદાની કેનાલમાં તેનો કાળ રાહ જોઈને બેઠો છે.

દરમિયાન એક યુવકની લાશ મળી આવતા તેને લાશ્કરોએ દોરડા વડે બાંધી અને કેનાલમાંથી કાઢી હતી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જેમાં યુવક મોરબીનો વતની હોવાનું ખુલ્યું હતું.

આજે જ્યારે વિશ્વની લાખો કરોડો બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષા માંગે છે અને તેની રક્ષા કરવાનું વચન આપે છે ત્યારે એક માતાએ પુત્ર અને એક બહેને ભાઈ ગુમાવતા બાર મહિનાના તહેવારના દિને કરૂણાંતિકા સર્જાઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.

(8:03 pm IST)