Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

પંચમહાલ : માતાએ બાળકને દીપડાના મોઢામાંથી છોડાવ્યો

બે વર્ષનો બાળક ઘરના રૂમમાં સૂઈ રહ્યો હતો : બાળકને માથા-આંખમાં ઈજા થતા સારવારાર્થે ખસેડાયો

વડોદરા, તા. : પંચમહાલ જિલ્લાના એક ગામમાં માતાએ બાળકને દીપડાના મોંમાંથી બચાવ્યો હોવાની ઘટના બની છે. રવિવારે બનેલી ઘટનામાં એક દીપડાએ બે વર્ષના બાળક પર હુમલો કર્યો હતો જેમાં બાળકની માતાએ અભૂતપૂર્વ હિંમત બતાવી હતી અને જોરદાર લડત બાદ બાળકને દીપડાના જડબામાંથી છોડાવ્યો હતો, જે પછી ઈજાગ્રસ્ત બાળકને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ઘોઘામ્બા તાલુકામાં રવિવારે સવારે જ્યારે એક બાળક પોતાના ઘરના રૂમમાં સૂતો હતો ત્યારે એક દીપડો આવી પહોંચ્યો અને તેણે બાળકના માથાને પોતાના જડબાથી પકડવાની કોશિશ કરી હતી. જોકે, બાળકના રડવાનો અવાજ સાંભળીને માતા ત્યાં પહોંચી હતી.

          દીપડાના મોંમાં બાળકને જોઈને માતાના હોંશ ઊડી ગયા હતા. જોકે, તેણે અભૂતપૂર્વ હિંમત બતાવતા બાળકને દીપડાના મોંમાંથી છોડાવ્યો હતો. શોરબકોર સાંભળીને પાડોશના લોકો પહોંચ્યા પરંતુ દરમિયાન દીપડો પણ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બાળકને માથા પર અને ડાબી બાજુ આંખ પર ઈજા થઈ છે. જે પછી તેને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વન અધિકારીઓએ દીપડાને માનવ વસતીમાંથી તગેડી મૂકવા તથા બીજા હુમલા કરે તે માટેના પગલાં લીધા હતા. જોકે. દીપડો ક્યાંય જોવા મળ્યો નહતો.

(8:01 pm IST)