Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સુરતમાં યુવાનના જન્મદિવસે જાહેરમાં બિયરની રેલમછેલ

યુવકોએ જાહેરમાં એકઠા થઈને ઉજવણી કરી : યુવાનને બીયરથી નવડાવી દેવાનો વીડિયો વાયરલ થતા પોલીસ પહોંચી ગઈ હતી : પોલીસે ૭ લોકોની ધરપકડ કરી

સુરત, તા. : કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા લોકોને એકત્ર નહીં થવાની સૂચના આપવામાં આવી છે. સમયે સુરતના ભાઠેના વિસ્તારમાં એક યુવાને જન્મ દિવસની ઉજવણી કરી હતી. યુવાનને બીયરથી નવડાવી દેવાનો વીડિયો વાયરલ થતા પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે મહેફિલ માણી રહેલા સાત યુવકોની ધરપકડ કરીને તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોરોના મહામારી વચ્ચે લોકોને એકત્ર નહીં થવા તેમજ લોકો એકઠા થાય તેવી કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરવાની સૂચના તંત્ર તરફથી આપવામાં આવી છે.

             આવી સૂચના છતાં સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા એલ એન પાર્ક ખાતે રહેતા સંદીપ નામના યુવકનો જન્મ દિવસ હોવાને લઈને કેટલાક મિત્રો સોસાયટીના નાકે આવેલી ખાદી કિનારે ભેગા થયા હતા. તમામે પહેલા કેક કાપીને સંદીપના જન્મ દિવસની ઉજવણી કરી હતી. મિત્રના જન્મ દિવસને લઇને છટકા બનેલા કેટલાક યુવાનોએ દારૂના નશામાં સંદીપને બીયરથી નવડાવી દીધો હતો. તમામ મજાક-મસ્તી અને તાયફાનો વીડિયો એક મિત્રએ પોતાના મોબાઇલમાં ઉતારીને વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાની સાથે પોલીસ પાસે પહોંચી ગયો હતો

            આ મામલે ઉધના પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને મહેફિલની જગ્યા પર પહોંચી હતી. પોલીસ પહોંચી હતી ત્યારે પણ અહીં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસને જોતાની સાથે અહીંયા હાજર યુવાનોમાં ભાગદોડ મચી ગઈ હતી. અહીં જન્મ દિવસ ઉજવણી કરનાર તમામ લોકો દારૂના વેપાર સાથે જોડાયેલા બુટલેગર હોવાથી પોલીસે સાત જેટલા યુવાનોની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહ હાથ ધરી હતી.

           જોકે, સુરતમાં પ્રથમ વખત જાહેરમાં દારૂની મહેફિલ થઈ હોય કે આવો વીડિયો વાયરલ થયો હોય તેવું નથી. પહેલા પણ આવા અનેક બનાવો સામે આવી ચુક્યા છે. પોલીસની ઢીલી નીતિને કારણે શહેરમાં ઠેક-ઠેકાણે આવી પાર્ટીઓ થતી રહી છે અને બુટલેગરો દારૂ પણ પહોંચાડતા રહે છે.

(7:59 pm IST)