Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

નર્સોએ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી

અમદાવાદ સિવિલમાં રક્ષાબંધનની ઉજવાઈ : હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને વીડિયો કોલ કરીને પરિવાર સાથે વાત કરાવીને રક્ષાબંધનની ઉજવણી કરી

અમદાવાદ, તા. : અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓ અને તેમના સગાની દરકાર કરીને અસામાન્ય પરિસ્થિતિમાં પણ સામાન્ય રીતે રક્ષાબંધનની ઉજવણી થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સોએ બાળકોને રાખડી બાંધીને પવિત્ર રક્ષાબંધનની ઉજવણી કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ સિવિલની ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં પણ સારવાર લઈ રહેલા તમામ કોરોના દર્દીઓને સિવિલ તંત્ર દ્વારા સંવેદનશીલતાનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતુ. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને વીડિયો કોલ કરીને સિવિલ તંત્ર દ્વારા તેમની બહેનને સંપર્ક કરાવી રૂબરૂ કરાવવામાં આવ્યા હતા. વીડિયો કોલના માધ્યમથી કંકુ, ચોખાથી તિલક કરી દીર્ધાયુ માટેના મંત્રોચ્ચાર કરી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે.

           સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પણ નર્સિંગ સ્ટાફે કોરોના વોર્ડમાં કોરોનાના દર્દીઓને રાખડી બાંધી અને મિઠાઈ ખવડાવીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. નર્સિંગ સ્ટાફ આઈસીયુ અને વેન્ટિલેટર પર રહેલા ભાઈઓને પણ રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય માટે તેમજ જલદીથી સ્વસ્થ થવા માટેની ઈશ્વરથી પ્રાર્થના કરી હતી. ગઈકાલે સુરતના અલથાણ વિસ્તારમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા કોવિડ કેર સેન્ટરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન નર્સોએ કોરોનાના દર્દીઓને રાખડી બાંધી હતી, જ્યારે ધારાસભ્યે પણ મહિલા કોરોના દર્દીઓ પાસેથી રાખડી બંધાવી હતી.

(7:54 pm IST)