Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અમદાવાદના નવા વાડજમાં ડોકટરે મહિલાના ઘરમાં ધુસીને આબરૂ લેવા કર્યો પ્રયાસ

મેરેજ બ્યુરોમાંથી બાયોડેટા મેળવી ફોન કરીને લગ્ન માટે દબાણ કરતો હતો : મહિલાએ જવાબ ના આપતા ઘરમાં ધુસીને મારઝૂડ કરી : હાથ પકડી ઈજ્જત લૂંટવા પ્રયાસ કર્યો

અમદાવાદ: ડૉકટરે નવા વાડજ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય મહિલાના ઘરમાં ઘૂસી તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શુભમ મેરેજ બ્યુરોમાંથી મહિલાની વિગતો મેળવી આરોપી ફોન કરીને લગ્ન માટે દબાણ કરતો હતો. શુક્રવારે આરોપીએ કરેલા 35 જેટલા ફોનનો મહિલાએ જવાબ આપ્યો નહોતો. આખરે ડોકટર માહિલાસના ઘરે પહોંચ્યો હતો. મહિલાને તુ મારી સાથે લગ્ન કેમ નથી કરતી તેમ કહી મારઝૂડ કરી હતી. મહિલાનો હાથ પકડી આરોપીએ ઈજ્જત લેવાનો પ્રયાસ કરતાં પોલીસને જાણ કરાઈ હતી.

નવા વાડજ વિસ્તારના એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેતી અને ઘરે જ બ્યુટી પાર્લર ચલાવતી રચના (નામ બદલ્યું છે)એ તેના અગાઉના પતિ સાથે મનમેળ ના આવતાં છૂટાછેડા લીધા હતા. રચના તેની પુત્રી સાથે એકલી રહી પોતાનું જીવન વ્યતીત કરતી હતી.

 

દરમિયાનમાં રચના પર થોડા દિવસ અગાઉ જગદીશભાઈ વિઠાનો ફોન આવ્યો હતો. તેઓએ શુભમ મેરેજ બ્યુરોમાંથી તમારી વિગતો મળી છે. મારા પુત્રના ડિવોર્સ થયા છે અને તેણે તમારા બાયોડેટામાં રસ છે. જગદીશભાઈએ રચનાના માતા પિતાની પણ વિગતો માંગી હતી. જોકે રચનાએ પહેલા હું તમારા પુત્રને જોઇશ અને મને તે ગમશે તો મારા માતા પિતા સાથે વાત કરાવીશ તેમ જણાવ્યું હતું.

જગદીશભાઈએ જણાવ્યું કે, મારો પુત્ર તમને ફોન પર બાયોડેટા મોકલશે. તમને ગમે તો વાતચીત કરજો. તે પછી ડૉ. તેજસ વિઠાએ બાયોડેટા મોકલ્યો પણ રચના બેન્ક અને હોસ્પિટલના કામમાં વ્યસ્ત હોવાથી કોઈ જવાબ આપ્યો નહોતો.

દરમિયાન એક થી બે વાર ડૉ, તેજસ સાથે વાતચીત થઈ હતી. શનિવારે બપોરે ડૉ. તેજસનો ફોન આવતા રચનાએ તે તેની પુત્રીની સારવારમાં હોવાનું જણાવ્યું હતું. આથી તેજસે તમે મારા ત્યાં લાવો હું તમારી પુત્રીની સોનોગ્રાફી કરાવી આપીશ. આથી રચના બરોડા એક્સપ્રેસ હાઇવે સિટીએમ ક્રોસ રોડ વ્રજભૂમિ સોસાયટી ડૉ.તેજસના ત્યાં ગઈ હતી. પુત્રીનું ચેકઅપ કરાવી થોડી વાતચીત કરી તે પરત ફરી હતી. બાદમાં તેજસના 30થી 35 કોલ આવ્યા પણ રચનાએ 3 કોલ જ ઉપાડ્યા હતાં.

મોડી રાત્રે અચાનક ડૉ. તેજસ રચનાના નવા વાડજ ખાતેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. તું મારા ફોન કેમ નથી ઉપાડતી અને મારી સાથે લગ્ન કેમ નથી કરતી તેમ કહી અપશબ્દો બોલી મારઝૂડ કરવા લાગ્યો હતો. રચનાએ તેના મિત્ર મૌલિન ભટ્ટને ફોન કર્યો હતો. મૌલિને સમજાવવાનો પ્રયાસ કરી તેજસને ત્યાંથી જતા રહેવા કહ્યું પણ આરોપીએ તેની સાથે ગાળાગાળી કરી હતી.

બાદમાં રચનાનો હાથ પકડી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. રચનાએ હાથ છોડાવી પોલીસ કન્ટ્રોલમાં ફોન કરવા પ્રયાસ કરતા આરોપીએ ફોન નીચે ફેંકી દીધો હતો. રચનાએ હું તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તેમ કહેતાં તેજસે હું કોઈથી ડરતો નથી તેમ કહ્યુ અને ત્યાંથી જતો રહ્યો હતો.

બનાવ અંગે રચના વાડજ પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી ડૉ. તેજસ વિઠા રાજગોર વિરુદ્ધ પહેલા અરજી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:21 pm IST)