Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અમદાવાદ : 6 મહિના જુનો હીટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલાયો: સગીરને જીપ ચલાવવા આપનાર સામે ગુનો

સગીરે અડફેટે લેતા 65 વર્ષના વૃઘ્ધનું મોત નીપજ્યું હતું :પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી ભેદ ઉકેલી કાઢ્યો

અમદાવાદ: નરોડા પાટિયા સર્કલ પાસેના છ માસ જૂના હીટ એન્ડ રન કેસનો ભેદ ટ્રાફીક પોલીસે ઉકેલી કાઢયો હતો. જેમાં જીપ ચલાવતાં 17 વર્ષના સગીરે રોડ પર પસાર થતી 65 વર્ષીય વૃદ્ધાનું જીપની ટક્કર મારી મોત નિપજાવ્યું હતું. ટ્રાફીક જી ડિવિઝન પોલીસે આ મામલે કિશોર સામે અકસ્માત કેસમાં કાર્યવાહી કરી હતી. જ્યારે કિશોરને બોલેરો જીપ ચલાવવા આપનાર વાહન માલીક સામે અલગથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

નરોડા પાટીયા સર્કલ ખાતે ગત તારીખ 3-2-2020ના રોજ પરોઢે 6.30 વાગ્યા પહેલાં રોડ પર ચાલતા પસાર થતાં 65 વર્ષીય અજાણ્યા વૃદ્ધાને પુરઝડપે આવી રહેલા વાહન ચાલકે ટક્કર મારી હવામાં ઉછાળ્યા અને ફરાર થઈ ગયો હતો. વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા જ્યાં ગત તારીખ 5ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. હીટ એન્ડ રનના બનાવ અંગે ટ્રાફીક જી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી.ગાવીતે આ અંગે તપાસ કરી શોધી કાઢ્યું કે, છ મહીના અગાઉના અકસ્માતનો આ બનાવ બોલેરો જીપથી સર્જાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ કામે લગાડીને જીપનો નંબર અને માલીકનું નામ સરનામું પણ મેળવી લીધું હતું.

પોલીસ તપાસમાં જીપનો માલીક નવયુગ સ્કુલ રોડ પર આવેલી જ્યોતિ રેસિડન્સીમા રહેતો સુરક્ષિત ઉર્ફ સુરેશ ચંદ્રકાન્ત ચાવડા (ઉં,33) હોવાનું ખુલ્યું હતું. સુરેશની પૂછપરછમાં તેને આ જીપ 17 વર્ષના સગીરને ચલાવવા આપ્યાનું કબુલ્યું હતું. પોલીસે અકસ્માત કરનાર કુબેરનગર રોડ પર રહેતાં સગીરની પૂછપરછ કરતાં તેણે અકસ્માત કર્યાની કબૂલાત કરીને જીપ ચલાવવા માટે સુરેશે આપ્યાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે વધુ એક સાક્ષીનું નિવેદન લીધું હતું. સાક્ષીએ પણ સગીરે અકસ્માત કરી વૃદ્ધાનું મોત નિપજાવ્યાનું જણાવ્યું હતું.

પોલીસે અકસ્માત કરી વૃદ્ધાનું મોત નિપજાવવાના કેસમાં 17 વર્ષના સગીર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.જ્યારે સગીર પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ ન હોવાનું જાણવા છતાં પોતાની બોલેરો જીપ સગીરને ચલાવવા આપી ગંભીર પ્રકારની બેદરકારી સુરેશ ચાવડાએ દાખવી અને તેના કારણે અકસ્માત થવાથી વૃદ્ધાનું મોત થયું હતું. આમ ગંભીર પ્રકારની બેદરકારીના કૃત્ય બદલ જી ડિવિઝન પોલીસે જીપના માલીક સુરેશ ચાવડા વિરુદ્ધ અલગથી મોટર વાહન અધિનિયમ એકટની કલમ 199A (1)(2)(4)(5)(6) મુજબ રવિવારે સાંજે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(6:19 pm IST)