Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

આને કહેવાય સાચું રક્ષાબંધન

જુદા-જુદા કિસ્સાઓમાં ૧૨ બહેનોએ ભાઇઓને કિડની ડોનેટ કરી

તો એક બહેનને કીડની આપવા ૧૧ ભાઇઓ થયા તૈયાર

અમદાવાદ,તા. ૩: રક્ષાબંધન પર ભલે બહેનો રાખડી બાંધીને ભાઇ પાસે રક્ષાનું વચન લેતી હોય પણ બહેનો અહીં પણ ભાઇઓ કરતા ચડીયાતી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની કિડની હોસ્પિટલમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં જુદી-જુદી ૧૨ બહેનોએ કિડની આપીને પોતાના ભાઇઓનું જીવન બચાવ્યું છે. આજે આ બધી બહેનો પોતાના ભાઇઓને રાખડી બાંધીને આ પવિત્ર સંબંધને જીવંત કર્યું છે.

આ કિડની હોસ્પિટલમાં દર વર્ષે લગભગ ૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. તેમાં લગભગ ૮૦ થી ૯૦ ટકા કિડની પરિવારની મહિલાઓ આપતી હોય છે. ૧૦ થી ૨૦ ટકા કેસમાં પૂરૂષો કિડની આપે છે. તેમાં પણ જ્યારે ભાઇ-બહેનોની વાત આવે છે ત્યારે બહેનો ભાઇઓ કરતા ચડિયાતી છે. જ્યારે આ સમયગાળામાં એક એકના એક ભાઇએ પોતાની એકની એક બહેનને કિડની આપીને રાખડીનું વચન નિભાવ્યું છે.કિડની હોસ્પિટલમાં સીનીયર નેફ્રોલોજીસ્ટર ડો.પકંજ શાહે જણાવ્યું કે, હોસ્પિટલમાં એક એવો પણ કેસ આવ્યો હતો. જેમાં, એક બહેનને કિડની આપવા પીયર પક્ષના એક નહીં પણ આઠ ભાઇઓ અને શ્વસુર પક્ષના ત્રણ લોકો કિડની આપવા તૈયાર થયા હતા. જો કે, બ્લડ ગ્રુપ મેચ થયા પછી નાનાભાઇ ચંદ્રકાંતે કિડની આપી હતી. ડો. શાહે કહ્યું કે આવા પરિવાર બહુ ઓછા જોવા મળે છે.

(2:56 pm IST)