Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

અમદાવાદના કુખ્યાત ડોનના પુત્રએ સવા કરોડની ખંડણી માંગતા શાહઆલમના બિલ્ડરએ કર્યો આપઘાતનો પ્રયાસ

કુખ્યાત ડોન અબ્દુલ વહાબના પુત્ર સહિત પાંચ વિરુદ્ધ સવા કરોડની ખંડણીની માંગણીનો આરોપ

 

અમદાવાદના કુખ્યાત ડોન અબ્દુલ વહાબના પુત્રએ સવા કરોડની ખંડણી માંગતા શાહઆલમના એક બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. બિલ્ડરના આરોપ મુજબ વહાબનો પુત્ર પ્રોટેક્શન મની પેટે તેની પાસેથી સવા કરોડની માંગણી કરી રહ્યો હતો. જો કે 80 લાખ રૂપીયા ચુકવ્યા હોવા છતાં પણ તેને માનસિક ત્રાસ આપતા તેણે પગલું ભર્યું છે. ઘટનાની જાણ પોલીસને કરતાં પાંચ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે

  થહેરનો કુખ્યાત ડોન અબ્દુલ વહાબના પુત્ર સહિત પાંચ લોકોની વિરુદ્ધમાં સવા કરોડ રૂપિયાની ખંડણીની માંગણીનો આરોપ શાહઆલમના બિલ્ડરે લગાવ્યો છે. બિલ્ડરનો આરોપ છે કે શાહપુરમાં તેની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. જે સાઇટ ચાલુ રાખવા માટે અબ્દુલ અહદ વહાબખાન પઠાણ સહિત પાંચ લોકો દ્વારા તેની પાસેથી રૂપિયા સવા કરોડ પ્રોટેક્શન મની પેટે માંગવામાં આવ્યાં હતાં. જો કે રૂપિયા 80 લાખ ચૂકવ્યા હોવા છતાં પણ આરોપીઓ દ્વારા તેને માનસિક ત્રાસ અપાતો હોવાથી તેણે 31મી જુલાઇના દિવસે સરખેજમાં આવેલા શેર અલી બાવાની દરગાહ પાસેથી ઝેરી દવા પીઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

  સરખેજ પોલીસે વહાબખાનના પુત્ર અબ્દુલ અહદ વહાબખાન પઠાણ, શહઝાદ રફીક શખે, રફીક રહીમ શેખ, ઝાકીરહુસેન ગુલામહુસેન શેખ અને મહંમદ ફકીર ઝાકીર હુસેન સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીઓની દાદાગીરી અને ખંડણીની માંગણી કરતા હોય તેવા સીસીટીવી ફુટેજ અને ફોન રેકોર્ડિંગ પણ કબ્જે કર્યાં છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ડોન અબ્દુલ વહાબ સામે શહેરમાં ખૂન, ટાડા સહિત ૬૦થી વધુ ગુના નોંધાયા હતા. ત્યારે પિતા બાદ પુત્રનું નામ પણ ખંડણી જેવા કેસમાં આવતા ચકચાર મચી ગયો છે. હાલમાં પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે

(11:15 pm IST)