Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

વડોદરામાં પુરના પાણી ઓસરવાની સાથે જ સફાઇ અભિયાન વેગવંતુ કરાશેઃ કોર્પોરેશનના મહાસફાઇ અભિયાનમાં અમદાવાદ-સુરતના સફાઇ કામદારો પણ જોડાશે

અમદાવાદ :વડોદરામાં 20 ઈંચ વરસાદ પછી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને તો નુકસાન થયું જ છે. પરંતુ તેમના વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાનો અંદાજ છે. એક અંદાજ પ્રમાણે ભારે વરસાદના કારણે વડોદરામાં 5000 કરોડ રૂપિયાનું નુકસાન થયુ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે આભ ફાટતાં વડોદરાને ભારે નુકશાન થયું છે. હાલ વડોદરાના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટી 29.90 ફૂટ પર પહોંચી છે, તો આજવા સરોવરની સપાટી 211 ફૂટ પર પહોંચી છે. વિશ્વામિત્રીનું જળસ્તર ઘટતા પાણી ઉતર્યા, ત્યારે પૂર બાદ કોઈ રોગચાળો ન ફાટે તે માટે વડોદરા કોર્પોરેશન મહાસફાઈ  અભિયાન શરૂ કરાશે. આ સફાઈ અભિયાનમાં માત્ર વડોદરાના જ નહિ, પરંતુ અમદાવાદ, સુરતના સફાઈ કર્મીઓ પણ જોડાઈને સફાઈ કરશે.

93 જેટલી ડોક્ટરોની ટીમ ઘરે-ઘરે ફરી સેવા આપશે. તો બીજી તરફ શહેરના અનેક રસ્તાઓ પરથી પાણી ઓસરી જતા વાહન વ્યવહાર રાબેતામુજબ શરૂ થયો છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી તથા તબીબી અને આરોગ્ય સેવાઓનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતાં તથા સેવાઓની સંતોષકારતા અંગે પૃચ્છા કરી હતી. તબીબી અધિક્ષક ર્ડા.રાજીવ દવેશ્વરે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલ પરિસરમાં લગભગ કોઇપણ વિસ્તારમાં પાણી પ્રવેશ્યા ન હતા. પરંતુ પોસ્ટમોર્ટમ વિભાગ પાસે પાણી ભરાયું હતું. જોકે સયાજી હોસ્પિટલની તબીબી અને આરોગ્ય સેવાઓ ભારે વરસાદ અને પાણીવાળા સંજોગામાં પણ યથાવત રાખી શકાઇ હતી. અત્યારે પણ આ સેવાઓ પૂર્વવત આપવામાં આવી રહી છે.

 નાયબ મુખ્યમંત્રીશ્રીએ માધ્યમકર્મીઓ સાથે સંવાદમાં જણાવ્યું હતું કે વડોદરામાં જરૂર જણાશે ત્યાં સુધી બચાવ રાહત સફાઇ જેવા જરૂરી કામો ચાલુ રાખવામાં આવશે. ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં પણ સયાજી હોસ્પિટલની આરોગ્ય સેવાઓ પૂર્વવત રાખનારા તબીબો અને આરોગ્ય કર્મચારીઓને તેમણે બિરદાવ્યા હતા. ર્ડાકટરો અને આરોગ્ય કર્મચારીઓએ અવિરત સારવાર સેવાઓ, ઓપરેશન, લેબ ટેસ્ટ જેવી કામગીરી ચાલુ રાખી હતી. ૧૦૦૦થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.  

તેમણે જણાવ્યું હતું કે લગભગ ૯૦ ટુકડીઓ બનાવવામાં આવી છે. જે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સર્વેક્ષણ અને તબીબી સેવાઓ પૂરી પાડવાનું કામ કરશે. એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ. અન્ય મહાનગરપાલિકાઓમાંથી આવનારી ટુકડીઓની મદદથી અસર પામેલા વિસ્તારોમાં પરિસ્થિતિત પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટાપાયે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. જયાં પાણીનો ભરાવો થયો હતો એવા દુર્ગમ વિસ્તારોમાં પણ એન.ડી.આર.એફ. સહિતના દળોની સાધન સુવિધાઓ તેમજ ટ્રેકટર્સ ઇત્યાદીનો ઉપયોગ કરીને ફૂડપેકેટસ તેમજ પાણી ઇત્યાદી પહોંચાડવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે એકજ દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો હતો. નદીના બંને કાંઠે નિચાણવાળા વિસ્તારોમાં અસર થઇ હતી અને અન્ય જગ્યાઓએ પણ પાણી ભરાયા હતા. પાણીનો પ્રવાહ ખુબ જ હતો. હવે વરસાદ અટકયો છે અને ધીરેધીરે જળ સપાટીઓ ઘટતી જાય છે.

(5:30 pm IST)