Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

રૂપાણી રાજના ત્રણ વરસ, વિત્યા બહુ સરસ...વણથંભી 'વિજય' યાત્રાઃ પ્રજાલક્ષી ૬૦૦ નિર્ણયો

ઉગ્યો સૂરજ અને ખોવાઈ ગઈ રાત, સોનેરી કિરણો સાથે આવ્યુ નૂતન પ્રભાત

સ્નેહની કડી, સર્વથી વડી ! : મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલની આ ભૂતકાળની સંયુકત તસ્વીર છે. જેમાં બન્ને એકબીજાના મોઢા મીઠા કરાવી રહ્યા છે. ગુજરાતવાસીઓ જાણે છે કે ભાવ પ્રભાવની વાત ન કરીએ તો પણ એકબીજા માટેની બન્નેની મીઠાઈમાં મીઠાસ એવી ઠસોઠસો, ટકે વરસો વરસ...

રાજકોટ, તા. ૩ :. ઘડીયાલના કાંટા ચોંટાડી દેવાથી સમયને રોકી શકાતો નથી. ઘડીયાલના કાંટા ચોંટાડવાના બદલે સમયની સાથે ચાલવામાં માનતી ગુજરાત સરકારના વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના શાસનને ૭ ઓગષ્ટે ૩ વર્ષ પુરા થઈ રહ્યા છે. રૂપાણી રાજના ૩ વરસ, વિત્યા બહુ સરસ... અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રૂપાણી-પટેલની જોડીએ પ્રજાલક્ષી ૬૦૦થી વધુ નિર્ણયો દ્વારા ગુજરાતની વિજયયાત્રાને વણથંભી રાખી છે. ૭ ઓગષ્ટે ૩ વર્ષ પુરા થવાની ખુશાલીમાં સરકાર નવી યોજનાઓ જાહેર કરનાર છે.

વિજયભાઈ રૂપાણીએ ૨૦૧૬ના વર્ષની ૭ ઓગષ્ટે શાસન સંભાળ્યુ ત્યારે ગુજરાતમાં સરકાર માટે એકથી વધુ પ્રકારના પડકારો હતા. તે વખતે પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સમાજનું આંદોલન તિવ્રતાથી ચાલતુ હતું. ઉનાકાંડ જેવા બનાવોના કારણે દલિત સમાજ પણ સરકારની સામે હોય તેવુ ચિત્ર હતુ. પ્રતિકૂળ સંજોગો વચ્ચે બન્નેએ શાસનની ધૂરા સંભાળી રાજકીય સ્થિરતા સાથે મજબૂત શાસન આપવાનો સફળ પ્રયાસ કર્યો. આજે ગુજરાત શાંતિ અને સલામતી સાથે વિકાસના માર્ગે પૂરપાટ ચાલી રહ્યુ છે. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈએ આગવી છાપ ઉભી કરી છે. વહીવટી તંત્ર પર બન્ને સુકાનીઓ પ્રભાવશાળી સાબિત થયા છે. રાજકીય રીતે તેમની સફળતાની યાદી લાંબી છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને સ્પષ્ટ બહુમતી અપાવ્યા પછી ધારાસભ્યોના સંખ્યા બળની દ્રષ્ટિએ પણ મજબુતાઈ વધારી છે. લોકસભાની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો પર જીત મેળવી બતાવી છે. લોકસભાની ચૂંટણીમાં મતદારોએ નરેન્દ્રભાઈ મોદીના નામે મત આપ્યાનું કોઈ નકારી શકે તેમ નથી છતા તમામ ૨૬ બેઠકો મોટી સરસાઈ સાથે જળવાઈ રહી તેમા રૂપાણી સરકારની કામગીરીનો પણ મોટો ફાળો ગણાય છે. છેલ્લે જૂનાગઢ મહાનગરની ચૂંટણીમાં ૬૦ પૈકી ૫૪ બેઠકો ભાજપને મળી તેમા પણ વિજયભાઈની વ્યુહરચનાએ મોટો ભાગ ભજવ્યો છે. આંગણે આવેલો પીડીત અરજદાર સંતોષ સાથે પરત જાય તેવો મુખ્યમંત્રીનો અભિગમ રહ્યો છે. રાજકીય, વહીવટી અને વ્યકિતગત રીતે તેમની સફળતાનુ પલ્લુ એકદમ ભારે થઈ ગયુ છે. દિલ્હી દરબારમાં ગુજરાતનો અવાજ તરત સંભળાઈ છે તે તેમની કેન્દ્રીય નેતાગીરી પાસેની વિશ્વસનીયતા અને આવડત દર્શાવે છે. મુખ્યમંત્રીના વ્યકિતત્વમાં સરળતા અને સંવેદનશીલતા સાથે દ્રઢતા અને નિર્ભયતાનો સમન્વય હોવાનુ અવલોકનકારો નોંધે છે.

કુદરતી આફતો વખતે પણ તેઓ સતત સમીક્ષા કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જાય છે. જૂન મહિનામાં ગુજરાતમાં ભયંકર વાવાઝોડુ આવવાના વૈજ્ઞાનિક વર્તારાના પગલે તેમણે સમગ્ર તંત્રને સાબદુ કરી દીધુ હતુ. ગુજરાતના કેટલાક ભાગમાં વાવાઝોડાની અસર થઈ હોવા છતા એક પણ જાનહાની થયેલ નહી. હાલ વડોદરામાં ભારે પૂરની પરિસ્થિતિ હોવાથી તેઓ સતત ત્યાંના સંપર્કમાં છે. ગઈકાલે શુક્રવારે વિજયભાઈ અને નીતિનભાઈ બન્નેએ વડોદરાની મુલાકાત લઈ અસરગ્રસ્તોના આંસુ લુછયા હતા. વિરોધ પક્ષમાં સિનીયર લડાયક ધારાસભ્યો હોવા છતા હમણાનું આખુ વિધાનસભા સત્ર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયુ. કોઈ વ્યકિત પૂર્ણ ન હોય પરંતુ વિજયભાઈ ચાહકોના પ્રેમથી મોટા થયા છે અને ટીકાકારોની ટીકાથી મજબુત થયા છે. છેલ્લા ૩ વર્ષમાં વિજયભાઈ અને નીતિનભાઈના નિર્ણાયક નેતૃત્વમાં થયેલા કેટલાય નિર્ણયોએ નવો ઈતિહાસ સર્જયો છે.

ગુજરાતમાં નવ ડિસેલિનેશન પ્લાન્ટ ઉભા કરી દરીયાના ખારા પાણીને મીઠુ બનાવવાનો પુરૂષાર્થ આદરવામાં આવ્યો છે. લર્નિંગ વીથ અર્નિંગના ખ્યાલ સાથે મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ ૭૫૦૦૦થી વધુ યુવાનોને લાભ આપવામાં આવ્યો છે. શહેરોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. એવરેજ ગ્રોથ રેટ અને ઔદ્યોગીક આઉટપુટમાં ગુજરાત નંબર વન છે. ચેકપોસ્ટને ભ્રષ્ટાચાર મુકત કરવા કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યુ છે. આવતા બે વર્ષમાં ૩૦૦ નવા સીએનજી પમ્પ શરૂ કરવાની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. છેલ્લા ૩ વર્ષમાં લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ૬૨૫ કેસ કરવામાં આવ્યા છે. આવતા દિવસોમાં અપ્રમાણસર મિલ્કત પર પણ મોટાપાયે તપાસ થનાર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ૨૯ લાખ ખેડૂત પરિવારોને લાભ મળ્યો છે. ૧૦ ટકા બીનઅનામતના અમલમાં ગુજરાત દેશમાં સૌથી આગળ છે. અકસ્માતના પ્રથમ ૪૮ કલાકમાં કોઈપણ હોસ્પીટલમાં રૂ. ૫૦ હજાર સુધીની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારવામા આવ્યો છે. નારી સશકિતકરણ માટે ૧૮૧ અભયમ હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. વિજ જોડાણની રકમમા માફી યોજના લાવવામાં આવી છે. બીનખેતીની પ્રક્રિયા ઓનલાઈન કરી સરકારે ઈતિહાસ સર્જયો છે. રૂપાણીના કાર્યકાળમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ થયુ છે.

મુખ્યમંત્રીએ છેલ્લા ૩ વર્ષમાં ૧૨૪૭ પ્રવાસ રાજ્યમાં અને ૧૩૧ પ્રવાસ અન્ય રાજ્યોમાં કર્યા છે. ૨૧૦૪ કાર્યક્રમો યોજી ૨.૪૦ કરોડ લોકો સાથે સીધો સંપર્ક કર્યો છે. ૨૩૪૬ જેટલા મુલાકાતીઓને મળ્યા છે.

(1:22 pm IST)