Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

૧૦૦૦ કરોડના ખર્ચે વૈશ્વિક પાટીદાર એમ્પાવરમેન્ટ હબ

વૈષ્ણોદેવી પાસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પ્રોજેકટ : ઉમિયા માતાજીનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામે તેવું મંદિર બનશેઃ૫મીએ નીતિન પટેલ, અન્ય પ્રધાન ઉદ્ઘાટન કરશે

અમદાવાદ, તા.૩ : સમગ્ર વિશ્વના કડવા પાટીદારોને એક તાંતણે જોડવા અને સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણથી લઇ આરોગ્ય સહિતની તમામ સેવા-સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના ઉમદા આશયથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે ૧૦૦ વીઘા જમીનમાં આશરે રૂ.એક હજાર કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું પાટીદાર એમ્પાવરમેન્ટ હબ બનાવવાનો પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત પાટીદારોના કુળદેવી અને જગતજનની ઉમિયા માતાજીનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામે તેવું અદ્ભુત અને અપ્રીતમ મંદિર આકાર પામશે. તા.૫મી ઓગસ્ટના રોજ બપોરે ત્રણ વાગ્યે આ પ્રોજેકટની પ્રવૃત્તિઓ વેગવંતી બને તે માટે એસજી હાઇવે  પર સોલા ભાગવત પાસે ઉમિયા કેમ્પસ ખાતે સંપર્ણ કમ્પ્યુટરાઇઝ્ડ મધ્યસ્થ કાર્યાલય અને પંચામૃત યોજનાઓનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના અન્ય પ્રધાનો અને મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે એમ અત્રે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચીફ કો-ઓર્ડિનેટર સી.કે.પટેલ, સંયોજક આર.પી.પટેલ અને ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ પ્રહલાદ કાકાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કયાંય નહી હોય તેવું ઉમિયા માતાજીનું મંદિર આ પાટીદાર એમ્પાવરમેન્ટ હબમાં આકાર પામશે, જેને જોવું દુનિયાભરના લોકો માટે એક લ્હાવો હશે અને તેને વૈશ્વિક સ્તરના ટુરીઝમ ટેમ્પલ તરીકે વિકસાવવામાં આવશે. આ સિવાય આ વિશ્વકક્ષાના હબમાં કેરિયર ડેવલપમેન્ટ તથા રોજગાર ભવન, હેલ્થ, સ્પોર્ટસ એન્ડ કલ્ચર સંકુલ, આરોગ્ય સારવાર યુનિટ, અદ્યતન સુવિધાયુકત એનઆરઆઇ ભવન, સિનિયર સીટીઝન ભવન, કુમાર-કન્યા અને વર્કીંગ વુમન હોસ્ટેલ, વિધવા-ત્યકતા બહેનો માટે રોજગાર કેન્દ્ર, મેટ્રીમોનીયલ પ્રશ્નોના નિવારણ માટે સમાધાન પંચ, કાયમી લગ્ન કેન્દ્ર, કાનૂની ઇમીગ્રેશન સલાહ કેન્દ્ર સહિતની અનેકવિધ સેવાઓ આ પાટીદાર એમ્પાવરમેન્ટ હબમાં સરળતાથી આમજનતાને ઉપલબ્ધ બનાવાશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચીફ કો-ઓર્ડિનેટર સી.કે.પટેલ, સંયોજક આર.પી.પટેલ અને ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ પ્રહલાદ કાકાએ વધુમાં ઉમેર્યું કે, પાટીદાર સમાજ માત્ર પોતના સમાજનું જ હિત નહી પરંતુ સમાજના અન્ય તમામ સમાજ કે વર્ગોનું હિત વિચારનારો સમાજ છે અને સામાજિક સમરસતામાં માનનારો સમાજ છે, તેથી સમાજના તમામ લોકોને સાથે રાખી આ પ્રોજેકટ આગળ ધપાવાશે. તા.૫મી ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા ઉમિયા કેમ્પસ,સોલા રોડ ખાતે કોમ્પ્યુટરાઇઝ્ડ મધ્યસ્થ કાર્યાલય અને ભૂમિદાન હુંડીનો શુભારંભ કરાવી ઉદ્ઘાટન કરશે. મહેસૂલમંત્રી કૌશિક પટેલના હસ્તે વીડિયો કોન્ફરન્સ હોલ, ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે સામાજિક યોજનાઓનું માહિતી કેન્દ્ર, ભામાશા ટ્રસ્ટી બાબુભાઇ જે.પટેલ દ્વારા સમાધાન પંચ, વિઝા ઇમીગ્રેશન કેન્દ્ર, મણિભાઇ પટેલ દ્વારા મેટ્રીમોનીયલ સર્વિસીસ સેન્ટર, કનુભાઇ પટેલ દ્વારા મેડિકલ મોબાઇલ વાનનું લોકાર્પણ કરી ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે જગતજનની ઉમિયા માતાજીના નવનિર્મિત દિવ્ય રથમાં સ્થાપન, મહાઆરતી અને રથ પ્રસ્થાન-ભ્રમણ માટે ઉછામણી પણ રખાઇ છે કે જે દિવ્યરથ ભ્રમણની ઉજવણી નવરાત્રિ દરમ્યાન તા.૧૨,૧૩ અને ૧૪ ઓકટોબર દરમ્યાન વિશ્વ ઉમિયા ધામ, વૈષ્ણોદેવી મંદિરની સામે રાખવામાં આવી છે. પાટીદાર સમાજના મહાન દાતાઓ દ્વારા રૂ.૨૫ લાખથી લઇ રૂ.પાંચ કરોડ, રૂ.૧૧ કરોડ, રૂ.૧૫ કરોડ અને તેથી પણ વધુ દાન આ ઉમદા પ્રોજેકટ માટે ઉદારહાથે આપવામાં આવ્યું છે. આ પ્રોજેકટને પરિપૂર્ણ થતાં પાંચેક વર્ષથી વધુનો સમય લાગે તેમ છે.

(7:35 pm IST)