Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

૨૦ વર્ષની પ્રેમિકાને ૧૯ વર્ષના પ્રેમી સાથે રહેવાની કોર્ટે મંજૂરી આપી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને કોર્ટનો આદેશઃ પરિવાર સાથે રહેવાની યુવતીએ ના પાડી

અમદાવાદ, તા.૩: ગુજરાત હાઈકોર્ટે ૨૦ વર્ષની યુવતીને તેના ૧૯ વર્ષીય બોયફ્રેંડ સાથે રહેવાની મંજૂરી આપી છે. યુવતીએ પોતાની માતા અને પરિવાર સાથે રહેવાની સ્પષ્ટ ના પાડતાં કોર્ટે તેને પ્રેમી સાથે રહેવાની મંજૂરી આપી છે. કોર્ટે ટાંકયુ કે, યુવતી હવે સગીર નથી જેથી કાયદા પ્રમાણે તે ઈચ્છે તેની સાથે રહી શકે છે. રાજય સરકાર તરફથી કોર્ટને બાંહેધરી આપવામાં આવી કે યુવતી જયાં રહેવા ઈચ્છે છે ત્યાં તેને પોલીસ સુરક્ષા સાથે મૂકી આવવામાં આવશે.

યુવતીના ૧૯ વર્ષીય પ્રેમીએ તેમના લિવ-ઈન રિલેશનશીપના એગ્રીમેન્ટના આધારે હાઈકોર્ટમાં હેબિઅસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણી બાદ બુધવારે યુવતીને માતા-પિતા અને પરિવારને છોડીને બોયફ્રેંડ સાથે રહેવાની મંજૂરી મળી. આ કપલે ૧૯ જુલાઈએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. યુવકે રજૂઆત કરી હતી કે, તેની પ્રેમિકાને તેના પરિવારનો સભ્યો બળજબરીપૂર્વક પોતાનાથી દૂર રાખે છે. લગ્ન લાયક ઉંમર ન હોવાથી પ્રેમિકાને પરણી શકતો ન હોવાથી લિવ-ઈન રિલેશનશીપમાં રહેવાનો નિર્ણય કરી કોન્ટ્રાકટ કર્યો.

અરજીકર્તા યુવકે જણાવ્યું કે, ફ્રેન્ડશીપ કોન્ટ્રાકટ કરવાની જરૂર પડી કારણકે એ મારા પેરેન્ટ્સની ઈચ્છા હતી. અન્ય આંતરજ્ઞાતિય રિલેશનશીપની જેમ અમારા પરિવારોએ પણ અમારા રિલેશનશીપમાં દખલ કરી. જૂન મહિનામાં અમે બંને ૧૦ દિવસ માટે ભાગી ગયા હતા ત્યારે પ્રેમિકાના પરિવારે અમને શોધી લીધા હતા. સગીર પ્રેમીની રજૂઆત સાંભળીને હાઈકોર્ટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને યુવતીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો.

જો પોલીસ યુવતીને હાઈકોર્ટમાં હાજર રાખવામાં નિષ્ફળ જાય તો તેને શોધવા માટે કરેલી કામગીરીનો રિપોર્ટ સબમિટ કરાવવા આદેશ આપ્યો હતો. બુધવારે પોલીસ યુવતીને તેની માતાના દ્યરે કોર્ટમાં લઈને હાજર રહી. કોર્ટે જયારે યુવતીને પોતાની ઈચ્છા જણાવવાનું કહ્યું ત્યારે જરાપણ સમય લગાવ્યા વિના યુવતીએ પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યકત કરી. પરિવાર અને માતા સાથે જવાની યુવતીએ ચોખ્ખી ના પાડી દીધી.(૨૨.૫)

(12:07 pm IST)