Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

નવરાત્રી વેકેશન જાહેર થતા શાળાના શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફારઃ તા. ૫ થી ૧૯ નવે. દિવાળી વેકેશન

શિક્ષણ બોર્ડના સંયુકત નિયામકે તમામ શિક્ષણાધિકારીને પરીપત્ર પાઠવ્યો

રાજકોટ, તા. ૩ :. ગુજરાત સરકારે ૨૦૧૮-૧૯ના શૈક્ષણિક વર્ષ માટે પ્રથમવાર નવરાત્રી વેકેશન જાહેર કરતા શાળા-કોલેજોના શૈક્ષણિક કેલેન્ડરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતની શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્ર જે ૨૬ નવે. શરૂ થવાનુ હતુ તે હવે ૧૯ નવેમ્બરથી થશે.

ગુજરાતના શિક્ષણ બોર્ડના સંયુકત સચિવ શ્રી બી.એન. રાજગોરે પરીપત્ર દ્વારા જણાવ્યુ છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરેલ શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર ૨૦૧૮-૧૯ અન્વયે સંદર્ભમાં દર્શાવેલ શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર ૨૦૧૮-૧૯ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અનુસાર કેલેન્ડરમાં દર્શાવેલ તા. ૧૦-૧૦-૨૦૧૮ થી તા. ૧૭-૧૦-૨૦૧૮ સુધીના સમયગાળા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન આપવાનું રહેશે. તા. ૧૮-૧૦-૨૦૧૮ના રોજ દશેરાની જાહેર રજા છે. શાળાઓમાં દિવાળી વેકેશન તા. ૫-૧૧-૨૦૧૮ થી તા. ૧૮-૧૧-૨૦૧૮ સુધી રહેશે. શાળાઓમાં બીજુ શૈક્ષણિક સત્ર તા. ૧૯-૧૧-૨૦૧૮થી શરૂ થશે. તે મુજબનો ફેરફાર શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર ૨૦૧૮-૧૯માં કરવાનો રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરેલ શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર ૨૦૧૮-૧૯ની અન્ય વિગતો યથાવત રહેશે. આ અંગેની જાણ આપના તાબાની તમામ માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને કરવા અનુરોધ કરેલ છે.

(12:06 pm IST)