Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

કોંગ્રેસે ગાંધીનગર સહિત સાત શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી

ગાંધીનગરમાં ડો. કૌશિક શાહને રિપીટ કરાયા, બોટાદ, કચ્છ, અમરેલીમાં નવા ચહેરા

અમદાવાદ તા. ૩ : ગુજરાત કોંગ્રેસે સંગઠનના મહત્ત્વના પદો પરની નિમણૂકના બીજા તબક્કામાં વધુ સાત શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. જેમાં ગાંધીનગર શહેરમાં ડો. કૌશિક શાહને રિપીટ કરીને પ્રમુખપદે યથાવત્ રાખવામાં આવ્યા છે જયારે કચ્છ, જૂનાગઢ, નર્મદા, બોટાદ અને અમરેલીમાં નવા ચહેરાને સ્થાન અપાયું છે. પોરબંદર શહેરની જવાબદારી પરીમલ ઠક્કર જેવા સિનિયરને સોંપવામાં આવી છે.

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સાત શહેર-જિલ્લાના નામ કિલયર કર્યા બાદ ગુરુવારે જાહેર કરાયેલાં નામમાં જૂનાગઢમાં પાટીદારોને ખુશ કરવા માટે પટેલ અગ્રણી વિનુભાઈ અમીપરાની પસંદગી કરવામાં આવી છે જયારે પોરબંદરમાં સવર્ણોના મતદારોને રીઝવવા માટે લોહાણ સમાજના અગ્રણી અને સિનિયર કોંગી આગેવાન પરીમલ ઠક્કરને શહેરની જવાબદારી સોંપવામાં આવી છે.

આદિવાસી બહુલ નર્મદા જિલ્લામાં નવા ચહેરા હરેન્દ્ર વાળંદને જયારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર અમરેલી જિલ્લામાં અર્જુન સોસાને પ્રમુખ બનાવીને પછાત વર્ગોનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે. કચ્છમાં યૂથ કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે અને નવા-યુવા ચહેરા તરીકે કોંગ્રેસના સિનિયર નેતા શૈલેન્દ્રસિંહના પુત્ર યજુવેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી છે. બોટાદમાં કોળી સમાજના નિર્ણાયક મતો અંકે કરવા માટે બોટાદ જિલ્લાની જવાબદારી રમેશ મેરને સોંપવામાં આવી છે.(૨૧.૧૧)

કોંગ્રેસના નવા વરાયેલા શહેર-જિલ્લા પ્રમુખ

ગાંધીનગર-શહેર       ડો. કૌશિક શાહ

જૂનાગઢ-શહેર         વિનુભાઈ અમીપરા

પોરબંદર-શહેર        પરિમલ.જે.ઠક્કર

કચ્છ                  યજુવેન્દ્રસિંહ જાડેજા

અમરેલી-જિલ્લો       અર્જુન સોસા

બોટાદ-જિલ્લો         રમેશ.સી.મેર

નર્મદા                 હરેન્દ્ર.વી.વાળંદ

(6:30 pm IST)