Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ડીસામાં 196 કરોડનાં ખર્ચે બનેલ બ્રિજનું થોડા વરસાદને કારણે સ્વિમિંગ પુલમાં રૂપાંતર થયું !

ડીસામાં પડેલ 5 ઇંચ વરસાદમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં એલીવેટેડ બ્રિજ સ્વીમીંગ પુલમાં તબદીલ થયો

બનાસકાંઠા તા.03: બનાસકાંઠાના ડીસામાં આવેલ ગુજરાતના સૌથી લાંબા એલીવેટેડ બ્રિજનું સ્વિમિંગ પુલમાં રૂપાંતરણ થયું છે. ગઈકાલે ડીસામાં પડેલ 5 ઇંચ વરસાદને કારણે 196 કરોડના ખર્ચે બનેલ એલીવેટેડ બ્રિજ પર ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં એલીવેટેડ બ્રિજ સ્વીમીંગ પુલમાં તબદીલ થયો હતો. જેને લઈને બ્રિજનો એક માર્ગ બંધ કરી દેવાયો હતો

બ્રિજનો માર્ગ બંધ કરતાં બીજા માર્ગ ઉપરથી મહામુસીબતે વાહનો પસાર થઈ રહ્યા હતા. જેને લઈને બ્રિજની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ પુલ પર કેમ પાણી ભરાયું તેને લઈને મીડિયા દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હાતું કે 196 કરોડના ખર્ચે બનેલ પુલ પર હાઇવે ઓથેરેટી અને વહીવટી તંત્રની અનેક બેદરકારી સામે આવી હતી.

સાડાચાર કિલોમીટર લાંબા બ્રિજ પર બંને સાઈડો પર 5-5 મીટરના અંતરે વરસાદી પાણી નીચે ઉતરે તે માટે હોલ બનાવી તેના ઉપર જાળી રાખવામાં આવી હતી. જોકે ચોમાસા પૂર્વે તે હોલની સફાઈ ન કરતાં બ્રિજ પરના તમામ હોલ પુરાઈ ગયા હતા. જેને લઈને બ્રિજ પરથી વરસાદી પાણી નીચે ઉતરી શક્યું નહીં અને બ્રિજના અધવચ્ચે કોઈપણ પ્રકારનો ઢાળ ન હોવાથી સમતલ જગ્યામાં પાણી એકઠું થયું હતું. અને બ્રિજ ઉપર કમર સુધી પાણી ભરાઈ જતા બ્રિજ સ્વીમીંગ પુલમાં રૂપાંતરિત થઈ ગયો હતો.

(11:02 pm IST)