Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

મહિલા મામલતદારનું માતૃ વાત્સલ્યતાનું ઉદાહરણ: બાળકીને ગોદડીમાં લપેટી આશ્રય સ્થાને પહોંચાડી

સીસ્વામાં મહિલા મામલતદારે સરકારી ગાડીમાં નાનકડી દીકરી અને એની માતાને બેસાડીને સહી સલામત પટેલ વાડી ખાતે આશ્રયસ્થાનમાં પહોંચાડી માતૃ વાત્સલ્યતાનું સંવેદનશીલ અને પ્રેરણાદાયી કાર્ય કર્યું

આણંદ જિલ્લામાં બોરસદ તાલુકાના સીસ્વામાં મેઘતાંડવને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર  મનોજ દક્ષિણીની સુચના અન્વયે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સહી સલામત હાઇસ્કુલ અને પટેલ વાડી ખાતે પહોંચાડવા માટે કાર્યવાહી કરી હતી

. આ દરમિયાન મામલતદાર  આરતીબેન ગોસ્વામીને ધ્યાન પર આવ્યું કે રબારી ચકલા વિસ્તારમાં દેવીપૂજક વાસમાં એક બેન પોતાની એક વર્ષની દીકરીને વરસાદમાં લઈને નીકળવા માટે તૈયાર થતા નહોતા.મામલતદાર આરતીબેન ગોસ્વામીએ બેનને સમજાવીને વિદ્યાબેન રાજુભાઈ ચુનારાની એક વર્ષની નાની બાળકીને ગોદડીમાં લપેટી અને પોતાની બાહોમાં લઈને નીકળી પડ્યા હતા.

મહિલા મામલતદારે સરકારી ગાડીમાં નાનકડી દીકરી અને એની માતાને બેસાડીને સહી સલામત પટેલ વાડી ખાતે આશ્રયસ્થાનમાં પહોંચાડી માતૃ વાત્સલ્યતાનું સંવેદનશીલ અને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મામલતદારએ જણાવ્યું કે આ કુદરતી આપદામાં પાણી ભરાઈ જવાથી જે તકલીફ પડે છે તેનાથી બચાવવા એ અમારી જવાબદારી અને પ્રાથમિક ફરજ છે. નાના બાળક સાથે માતાને પટેલ વાડી ખાતે આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા છે એનું ધ્યાન પણ જાતે મામલતદાર આરતીબેન ગોસ્વામી રાખી રહ્યા છે. વિપદાની આ ઘડીમાં મહિલા મામલતદારે માનવતાનું સરાહનીય કાર્ય કર્યું છે. એવી લાગણી આ નાનકડી દીકરીની માતાએ પણ વ્યક્ત કરી હતી.

(10:30 pm IST)