Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

રાજપીપળા સહિત જિલ્લામાં તા.૫ મી થી તા.૧૭ મી જુલાઈ દરમિયાન વંદે ગુજરાત વિકાસયાત્રા ફરશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતે સાધેલી વિકાસયાત્રા ની જાણકારી અંતરિયાળ વિસ્તારોના પ્રજાજનોને ઘરબેઠા મળી રહે તેવા હેતુસર નર્મદા જિલ્લામાં આગામી તા.૫ મી થી તા.૧૭ મી જુલાઈ દરમિયાન સતત ૧૩ દિવસ સુધી “વંદે ગુજરાત વિકાસયાત્રા” રાજપીપલા નગરપાલિકાના તમામ વોર્ડના વિસ્તારો ઉપરાંત જિલ્લા પંચાયતની ૨૨ બેઠકોના ગામો ખૂંદશે. તા.૫ મી જુલાઇને મંગળવારના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે નાંદોદ તાલુકાના માંગરોલ ગામે ગુજરાતના કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી “ગુજરાત વિકાસયાત્રા” ના જિલ્લાકક્ષાના કાર્યક્રમને ખૂલ્લો મૂકશે. જ્યારે દેડીયાપાડા તાલુકાના બેસણા ગામે પણ સાંજે ૦૫:૦૦ કલાકે પદાધિકારીઓ, અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉક્ત કાર્યક્રમ ખૂલ્લો મૂકાશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરાશે.
આ વિકાસયાત્રા દરમિયાન LED સ્ક્રીન સાથે તૈયાર કરાયેલા રથના માધ્યમથી ગ્રામીણજનોને ગુજરાતની વિકાસયાત્રાથી અવગત કરાવાશે. આ સાથે રાજયકક્ષાના મહાનુભાવો તથા સ્થાનિક પદાધિકારીઓ દ્વારા વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પણ યોજાશે. વિકાસયાત્રા દરમિયાન અંદાજે રૂા.૩.૯૧ કરોડથી વધુની રકમના ૧૬૩ વિકાસકામોનું લોકાર્પણ કરાશે તેમજ રૂા.૨.૦૬ કરોડથી પણ વધુની રકમના ૯૩ કામોનું ખાતમુર્હૂત કરાશે જ્યારે વિવિધ યોજનાકીય ૩૭૧૦ જેટલાં લાભાર્થીઓને અંદાજે રૂા.૩.૮૫ કરોડથી પણ વધુની રકમના લાભોના વિતરણ સાથે પ્રજાજનોને યોજનાકીય જાણકારી અપાશે. 
નર્મદા જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસયાત્રા” ને લઈને જિલ્લા કલેકટર ડી.એે.શાહ તથા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ ૧૩ દિવસની આ વિકાસયાત્રા સંદર્ભે શ્રેણીબધ્ધ કાર્યક્રમોનુ આયોજન ઘડી કઢાયું છે.

(10:15 pm IST)