Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ચિખલીગર ગેંગની દિલધડક રીતે ધરપકડ કરનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બિરદાવાશે : ગૃહરાજ્ય મંત્રીએ ઇનામની જાહેરાત કરી

હર્ષ સંઘવીએ સુરત ક્રાઇમ બ્રાંચની ટીમને 1 લાખના ઇનામની જાહેરાત કરી અને પોલીસની કામગીરીના ભરપેટ વખાણ કર્યા

ગાંધીનગર તા.03 : ગત 28 જૂને ક્રાઇમ બ્રાન્ચે બારડોલી નજીકથી ફિલ્મી ઢબે ચીખલીગર ગેંગના સભ્યોની ધરપકડ કરી હતી. જે બાદ ક્રાઇમ બ્રાંચના આ ઓપરેશનના લાઇવ વીડિયો પણ સામે આવ્યા હતા. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાંચની ટીમનાં પેટ ભરી વખાણ કર્યા હતા, અને સમગ્ર ટીમને 1 લાખના ઇનામની જાહેરાત કરી હતી.,

સુરતમાં ચિખલીગર ગેંગની ધરપકડ મુદ્દે હર્ષ સંઘવીએ આજે નિવેદન આપ્યું છે અને પોલીસની કામગીરીના ભરપેટ વખાણ કરતાં કહ્યું છે કે, ચિખલીગર ગેંગની અનેક ગુનાઓમાં સંડોવણી છે. પોલીસે ગેંગને પકડવા 500થી 600 CCTV કેમેરા ચેક કર્યા હતા. પ્રવીણ રાઉતને પકડવા સુરત પોલીસે ખૂબ મહેનત કરી છે. કોઇ ગુનેગાર ઉંચી આંખ ન કરી શકે તે પ્રકારની કાર્યવાહી થતાં ગૃહરાજ્ય મંત્રીએ સુરત ક્રાઇમ બ્રાંચ ટીમને 1 લાખના ઇનામની જાહેરાત કરી અભિનંદન આપ્યા હતા.અને કહ્યું હતું કે કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગના કારણે ગુના બનતા અટક્યા છે. ગુજરાતમાં શાંતિપ્રિય રાજ્ય પોલીસની મહેનત અને કામગીરીનું પરિણામ છે.

બનાવમાં ક્રાઇમ બ્રાંચની ટીમ અને ચીખલીગર ગેંગ વચ્ચેના ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. છેલ્લાં ઘણા સમયથી આ ચીખલીગર ગેંગનો આતંક હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, શહેરના બારડોલીના દસ્તાન ફાટક પાસેથી ચીખલીગર ગેંગના સભ્યો ઇકો લઇને જઇ રહ્યાં હતા. એ દરમ્યાન ફિલ્મી ઢબે ક્રાઇમ બ્રાંચની ટીમે કારને રોકી હતી. કાર પર ડંડા અને ધોકાવાળી કરીને તેમજ ચીખલીગર ગેંગના સભ્યો ફરાર ના થઇ જાય એ માટે કારને રોકવા વચ્ચોવચ બુલડોઝર પણ મૂકવામાં આવ્યું હતું. જો કે, પોલીસને જોતાની સાથે જ ગેંગના સભ્યોએ કારને રિવર્સ લઇને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમે પણ સતર્કતા દાખવી કાર પર લાકડીઓ અને ડંડાવાળી કરી ચીખલીગર ગેંગના 3 સભ્યોને દબોચી લીધા હતાં.

હાલમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આ શખ્સોને સુરત ક્રાઇમ બ્રાંચે લઇ જઇને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અંદાજિત 20થી વધુ ગુનાઓને તેઓ અંજામ આપી ચૂક્યાં છે. અગાઉ પણ પોલીસે આ ગેંગના સભ્યોને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસના અગાઉના પ્રયાસ નિષ્ફળ નિવડ્યા હતાં.

(9:13 pm IST)