Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા તા. 12-8-2021ના નોટિફીકેશન અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારો) રૂલ્સ -2021થી પોલીસ્ટીરીન, પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરવાથી માંડીને ઉત્પાદન પર પ્રતિબંધ મુકાયો

ગાંધીનગર : પ્લાસ્ટિકની પોલિથીન બેગ વપરાશ બાદ જ્યાંત્યાં ફેંકી દેવાથી પશુઓને અપાર નુકસાન થાય છે અને

પ્લાસ્ટિકનું રિસાઇકલિંગ ન થતા પ્રદૂષણમાં પણ વધારો થાય છે. ત્યારે આજે આ અંગેની જાગૃતિ માટે સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ  ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો એવા છે જે પ્લાસ્ટિકના બદલે કાપડની બનેલી થેલીઓ વાપરી રહ્યા છે અને આ અંગે જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા તા. 12-8-2021ના નોટિફીકેશન અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારો) રૂલ્સ -2021થી પોલીસ્ટીરીન, પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરવાથી માંડીને ઉત્પાદન પર પ્રતિબંધ મુકાયો છે જેનો અમલ 1 જૂલાઇથી શરૂ થયો હતો અને આ માટે ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાએ નોટિસ પણ જાહેર કરી છે.

વાત કરીએ અમદાવાદની તો, અમદાવાદમાં જમાલપુર એપીએમસી શાક માર્કેટની બહાર એક શ્રમજીવી મહિલા હંમેશાં નજીવા ભાવે કાપડની થેલીઓનું વેચાણ કરે છે. તેમની થેલીનો ભાવ માત્ર 10 રૂપિયાથઈ માંડીને 20 રૂપિયા જેટલો હોય છે. આથી જે લોકો થેલી લીધા વિના આવ્યા છે અથવા તો પ્લાસ્ટિકની બેગ વાપરવા નથી માંગતા તેઓ સાવ નજીવા ભાવે આ થેલી લઈ શકે છો. અને વારંવાર તેનો વપરાશ પણ કરી શકે છે.

તો બીજી તરફ ભાવનગરના પર્યાવરણવિદ ડોક્ટર તેજસ દોશી પણ સરસ પ્રોજેક્ટ ચલાવે છે તેઓ એ લોકોને પ્લાસ્ટિકના નુકસાનથી જાગૃત તો કર્યા જ છે, પરંતુ તેઓ પ્લાસ્ટિકની થેલીની સામે કોટન બેગ આપવાનો નવતર અભિગમ પણ ચલાવે છે. ડોક્ટર તેજસ દોશી જાણીતા પર્યાવરણવિદ પણ છે. તેમણે બે વર્ષમાં આ અંગેની જાગૃતિ કેળવતા આશરે 14થી 15 લાખ જેટલી પ્લાસ્ટિક બેગ એકત્ર કરી છે અને તેની સામે 30 હજાર જેટલી કોટન થોલીઓનું વિતરણ કર્યું છે. થેલીઓ ધોઈને સ્વચ્છ કરીને તમે વારંવાર વાપરી શકો છો.

રાજ્યમાં પ્લાસ્ટિકની વસ્તુઓ ન વાપરવા માટે પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની પણ ઉજવણી કરવામાં આવી રહીછે ત્યારે જૂનાગઢના માણાવદરમાં પણ શાકભાજી વિક્રેતાઓએ પ્લાસ્ટિકની પોલિથીન બેગ એટલે કે દેશી ભાષામાં પ્લાસ્ટિકની ઝબલા થેલીઓ કહેવાતી પોલિથીન બેગમાં શાકભાજી ન આપવાનો નિર્ણય કર્યો છે.

માણાવદ શાકમાર્કેટમાં આ મહિનાની શરૂઆતમાં જ જાહેર સૂચના લખવામાં આવી હતી કે કોઈ પણ શાકભાજી વિક્રેતા પ્લાસ્ટિકની કોથળીમાં શાકબાજી આપશે નહીં. શાક માર્કેટ એસોસિયેશન દ્વારા સરકારના નિર્ણયને આવકારતા સૂચના લખવામાં આવી હતી કે સરકારની સૂચના પ્રમાણે હવેથી પ્લાસ્ટિકન ઝબલામાં શાકબાજીઆપવામાં આવશે નહીં. આ પહેલ સ્થાનિકોએ પણ આવકારી છે. જો નિરક્ષર શાકભાજી વિક્રેતા પર્યાવણને થતા નુકસાન અંગે જાગૃતિ દર્શાવીને આ પ્રકારનો નિર્ણય કરતા હોય તો તે બાબત આવકાર્ય છે.

કેન્દ્ર સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 આઈટમ્સ પર 1 જૂલાઇથી પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે આ પ્રકારના જાગૃતિ નાગરિકો જેઓ લોકોને કોટન થેલીઓ વાપરવા તેમજ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ વાપરવા ઉત્સાહિત કરે છે તેઓ ચોક્કસ આપણા માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની શકે છે.

    પ્લાસ્ટીક ઝબલામાં વસ્તુ ભરીને ગમે ત્યાં ફેંકી દેવાથી પશુઓ તે ખાય છે અને પશુઓ પીડાનો ભોગ બને છે ક્યારેક તો આ પીડાથી અબોલ પશુઓનું મરણ પણ થઈ જાય છે. સાથે જ પ્લાસ્ટિકની વસ્તુઓમાં ભરીને આવતી વસ્તુઓથી આરોગ્યને પણ નુકસાન પહોંચે છે.

   દેશમાં 50 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકને બનાવવા, વેચવા કે સ્ટોર કરવા પર પ્રતિબંધ છે. સરકારે 30 સપ્ટેમ્બરથી 75 માઈક્રોનથી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનાવેલી 19 વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો નોંધનીય છે કે 1 જૂલાઈ 2022થી રોજબરોજના વપરાશમાં લેવાતી નારિયેળ પાણી,શરબત વગેરે પીવા માટેની સ્ટ્રોથી માંડીને ગોલા-આઈસ્ક્રીમકેન્ડી પકડવા માટેની પ્લાસ્ટિક સ્ટીક સહિત અનેકવિધ વસ્તુઓના વેચાણ, સંગ્રહ, વપરાશ, ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(6:17 pm IST)