Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

નંદેસરી પોલીસ મથકની હદમાં સાંકદરા હાઇવે પરથી ટેન્કર ભરીને દારૂ મળી આવ્યો

સફેદ કલરની શીટોની આડમાં કાળા રંગની દારૂ ભરેલી પેટીઓ મુકવામાં આવી હતી

નંદેસરી : રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે. પરંતુ તેની અમલવારી કેવી રીતે કરવામાં આવે છે તે તો સૌ કોઇ જાણે જ છે. વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલું ટેન્કર મળી આવ્યું છે. જેને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

રાજ્યમાં કાગળ પર તો દારૂબંધી છે. છતાં તેની અમલવારી નબળી રીતે કરવામાં આવે છે. અવાર નવાર અનેક જગ્યાઓ પરથી દારૂ મળી આવે છે. પોલીસ દ્વારા બુટલેગરો સામે પાસા કરવા સુધીની કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. છતાં દારૂ મળવાની ઘટનાઓ બંધ નથી થતી. વડોદરામાં તાજેતરમાં જ એક જ પોલીસ મથકની હદમાંથી બે વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોએ દરોડા પાડીને દારૂ ઝડપી પાડ્યો હતો. છતાં દારૂ મળવાનો સિલસિલો હજી પણ ચાલું જ છે.

વડોદરામાં રવિવારે બપોરે નંદેસરી પોલીસ મથકની હદમાં સાંકદરા હાઇવે પરથી ટેન્કર ભરીને દારૂ મળી આવ્યો હતો. પીસીબીએ ચોક્કસ બાતમીના આધારે દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. કન્ટેનર પકડાઇ જવાને કારણે બુટલેગદો દોડતા થઇ ગયા હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. ટેન્કર ભરીને પકડવામાં આવેલા દારૂના જથ્થાને નંદેસરી પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો. ટેન્કરમાં સફેદ કલરની શીટોની આડમાં કાળા રંગની દારૂ ભરેલી પેટીઓ મુકવામાં આવી હતી. નંદેસરી પોલીસ મથકમાં ભર વરસાદમાં પોલીસ જવાનોએ ટેન્કરમાંથી જથ્થો ખાલી કર્યો હતો. અને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂના જથ્થાની કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે.

પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, કોને મંગાવ્યો હતો સહિતની વિગતો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.સુત્રોએ આખરમાં જણાવ્યું કે, દારૂનો જથ્થો હરિયાણાથી લઇ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઇન્દોરથી થઇને આણંદ જઇ રહ્યો હતો. પોલીસથી બચવા માટે બુટલેગરોએ કટ ઓફ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ઇન્દોરથી ડ્રાઇવર બદલી નાંખવામાં આવ્યા હતા. જો કે આ અંગે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સામે આવી શકે તેમ છે.

(5:50 pm IST)