Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

વડોદરમાં બેફામ કાર હંકવાના કારણે અકસ્‍માત સર્જાયો :૩ લોકોને અડફેટે લેતા ર ના મોત

રાત્રે અકસ્માતને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

વડોદરા: વડોદરામાં બેફામ કાર હાંકવાને કારણે ચાલકે ગતરાત્રે શહેરના સુભાનપુરા વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. જૈ પૈકી 60 વર્ષિય વૃદ્ધ અને અઢી વર્ષના બાળકનું અકસ્માતમાં ગંભીર ઘાયલ થયા બાદ મોત નિપજ્યું છે. સમગ્ર મામલે કાર ચાલક સામે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ભાયાભાઇ કાનજીભાઇ જોગરાણા (ઉં. 40) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ઉર્વશી ડુપ્લેક્ષ, સમતા ફ્લેટની પાછળ, સુભાનપુરામાં રહે છે. અને બ્રોકર તરીકે કામ કરે છે. ગતરાત્રે સાડા નવ વાગ્યે તેએ જમી પરવારીને ઘરે હતા. ત્યારે તેમના પિતા કાનજીભાઇ ભરવાડ (ઉં.60) અને નાના ભાઇનો દિકરો રાજવીર (ઉં. 2.5) ગેટના કમ્પાઉન્ડની બહાર ઉભા હતા. દરમિયાન કૃણાલ ચાર રસ્તા તરફથી કાર પુર ઝડપે આવી અને મકાનની કમ્પાઉન્ડ વોલ પાસેનો ઇલેક્ટ્રીક થાંભલો તોડીને કાનજીભાઇ અને રાજવીર તથા તેમના નજીક ઉભેલા રૂપાભાઇ જેસિંગભાઇને અડફેટે લીધા હતા. અડફેટે લેતા ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટનાને પગલે ગંભીર ઇજાગ્રસ્ત કાનજીભાઇને ખાનગી હોસ્પિટલમાં તથા રાજવીરને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબિબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. તો ઘટનામાં ઇજાગ્રસ્ત રૂપાભાઇ જેસિંગભાઇને હબંને પગે અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાક કાર ચાલકનું નામ નિશીત રમેશભાઇ પટેલ (રહે. અંકોડિયા) હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં તેને પણ ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો છે. લક્ષ્મી પુરા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાત્રે અકસ્માતને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

(5:11 pm IST)