Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કોઝવેની સપાટીમાં વધારો : કોઝવે 6 મીટર ઉપર જશે તો બંધ કરવાની ફરજ પડશે

સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીમાં પાણીની આવક વધતા મીઠી અને ભેદવાડ ખાડી બે કાંઠે વહી રહી છે : નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ભરાયા : ખાડીના આસપાસના વિસ્તારોમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.

સુરત : તાપી નદી પરના કોઝવે માં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કોઝવેની સપાટીમાં વધારો થયો છે. જયાં કોઝવેની ભયજનક સપાટી 6 મીટર પર પહોંચી છે. જો કોઝવે 6 મીટર ઉપર જશે તો બંધ કરવાની ફરજ પડશે.

હજુ ઉપરવાસમાં વધુ વરસાદ પડશે તો તાપી નદીમાં પાણીની આવક વધશે. અત્યારે તાપી નદીમાં ધીરે ધીરે નવા નીરની આવક થઈ રહી છે.

સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીમાં પાણીની આવક વધી છે. શહેરની મીઠી અને ભેદવાડ ખાડી બે કાંઠે થઈ છે. નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ઉલેચવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખાડીના આસપાસના વિસ્તારોમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.

તાપી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી હતી. વરસાદ પડતા જ ખેડૂતોએ ખેતરોમાં વાવણી શરૂ કરી છે.જિલ્લાના ખેડૂતો જમીન ખેડીને ડાંગરનું ધરું રોપી વરસાદની રાહમાં હતા. ત્યારે બે દિવસથી વરસાદનું આગમન થતા ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે,,ચાલુ વર્ષે સારા વરસાદની આશા સાથે ખેત ઉત્પાદન પણ સારું રહેવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડ્યો. તો વાલોડમાં ત્રણ, વ્યારામાં બે અને સોનગઢ, ઉચ્છલમાં પોણા ઈંચ વરસાદ નોંધાયો. નવસારીમાં ભારે વરસાદથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું. સુરતના ઓલપાડના કીમ ગામે વરસાદના પાણી ભરાતા શિવલિંગ, રાધા-ક્રિષ્ન અને અન્ય મૂર્તિઓ પાણીમાં ડૂબી ગઈ હતી. તો સુરત શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ભગવાન મહાવીર કોલેજના માર્ગ પર પાણી ભરાતા નોકરિયાત, રાહદારી, વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સુરતમાં ધોધમાર વરસાદના પગલે ખાડીઓના જળ સ્તર વધ્યા છે. શહેરના પાંડેસરામાં પ્રેમનગરની ખાડી ભયજનક સપાટી પર પહોંચી છે. ખાડીઓના વધતા જળ સ્તર જોવા સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગઈ કાલે સુરત શહેર સહિત તમામ જિલ્લાઓમાં પણ ધીમી ધારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં આવેલા જિલ્લાઓમાં સૌથી વધારે સાડા આઠ ઇંચ વરસાદ પલસાણા તાલુકામાં નોંધાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(3:13 pm IST)