Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ૨ દિવસ ગુજરાતની મુલાકાતે : આજે બપોરે અમદાવાદમાં આગમન : નવનિયુક્ત પદાધિકારીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી હોદ્દેદારોને શપથ લેવડાવશે : અરવિંદ કેજરીવાલ કાલે વીજળી મુદ્દે અમદાવાદ ટાઉન હોલ કાર્યક્રમમાં હાજરી આપશે: અરવિંદ કેજરીવાલ દિલ્હી નું ફ્રી વીજળી મોડલ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરશે: ઇસુદાન ગઢવી

ગુજરાત સંગઠનના નવનિયુક્ત 7500 પદાધિકારીઓને અરવિંદ કેજરીવાલ શપથ લેવડાવશે : ભાજપ મફત વીજળી નો વિરોધ કરે તો હું સી.આર. પાટીલ અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે સૌ પ્રથમ તેઓ પોતે મફત વીજળી લેવાનું બંધ કરે : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરીના ભાજપ સરકાર ઉપર પ્રહારો

રાજકોટ તા.૩

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ મહત્વના મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે,  આજથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ જી ગુજરાત રાજ્યના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવવા માટે ગુજરાત આવી રહ્યા છે. જેમાં હાલમાં 6000 થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલા 1500 લોકોનું સંગઠન જારી કરવામાં આવ્યું હતું.

આજે બપોરે 2:00 કલાકે અરવિંદ કેજરીવાલ જી અમદાવાદ પહોંચશે. ત્યારબાદ નવનિયુક્ત પદાધિકારીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી તમામ હોદ્દેદારોને શપથ લેવડાવશે. આ કાર્યક્રમ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં કરવામાં આવશે. ગુજરાતની જનતા ની સારી સેવા કરવી જોઈએ, આવનારી ચૂંટણીમાં પક્ષ ને મજબૂત સ્થિતિમાં મૂકવો જોઈએ અને પોતાના પદ ની તમામ જવાબદારીઓ નિભાવવી જોઈએ, આ તમામ બાબતો માટે શપથ લેવડાવવામાં આવશે.

 

બધા જાણે છે કે, આમ આદમી પાર્ટીનું છેલ્લા મહિનાથી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતની જનતા રોજેરોજ સરકારના જુદા જુદા ટેક્સ અને મોંઘવારીના માર નો સામનો કરી રહી છે. ભ્રષ્ટ ભાજપ સરકાર અલગ-અલગ આવશ્યક ચીજવસ્તુઓ પર છૂપી રીતે ટેક્સ વધારી દે છે, જેના કારણે જનતા ભારે પરેશાન થઈ ગઈ છે. સખત મોંઘવારીના સમયમાં લોકોને રાહત મળવી જોઈએ, તેના કારણે આમ આદમી પાર્ટી એ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે.

 

જેમાં અમારો મુદ્દો છે કે જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે છે તો ભ્રષ્ટ ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી? આ આંદોલનમાં અમે લાખો ફોર્મ ભર્યા છે જેમાં મફત વીજળી અંગે જનતાના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. જે ફોર્મ ભરાયા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની જનતા પણ મફત વીજળીની માંગ કરી રહી છે.

 

આ આંદોલનને આગળ લઈ જતા 4 જુલાઈના રોજ વીજળીના મુદ્દે ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર માં યોજાશે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોરે 11:00 થી 1:00 વાગ્યા સુધી હાજર રહેશે. આ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થશે.

 

આ સાથે ગુજરાતને લગતી જે પણ મહત્વની સમસ્યા છે, પછી તે આદિવાસી સમાજની સમસ્યા હોય, ગરીબ અને વંચિત લોકોની સમસ્યા હોય કે ખેડૂતોની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓ પર અરવિંદજી સાથે મહત્વપૂર્ણ વાતચીત થશે.

 

આમ આદમી પાર્ટી નો સવાલ છે કે જો દિલ્હીમાં અન્ય રાજ્યોમાંથી વીજળી ખરીદીને દિલ્હીની જનતા ને મફતમાં વીજળી આપી શકાતી હોય તો આટલી મોટી માત્રામાં વીજળી ઉત્પન્ન કરનાર ગુજરાતના લોકોને તેનો લાભ કેમ મળી શકતો નથી? ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી મળતી? ભાજપના નેતાઓ એવી ભ્રામક વાતો ફેલાવે છે કે અમને મફત વીજળી નથી જોઈતી, પરંતુ જનતાને મફત વીજળી જોઈએ છે. જનતાને ચૂકવવામાં આવતા ટેક્સમાંથી જનતાને મફત વીજળી આપવામાં આવે છે.

 

જ્યારે ભાજપના નેતાઓ કહે છે કે લોકોને મફત વીજળીની જરૂર નથી, તો હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલ જી એ દિલ્હીમાં આ વાત વ્યક્ત કરી છે કે જે લોકો મફત વીજળી લેવા માંગતા નથી, તેમણે સરકારને લેખિતમાં જણાવવું જોઈએ. અમને વીજળી જોઈતી નથી, તો હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે ભાજપના દરેક નેતાએ દિલ્હી અને પંજાબમાં મફત વીજળી નો લાભ ન ​​લેવો જોઈએ. જો ભાજપના લોકો આ મફત વીજળી નો લાભ નહીં લે તો ગરીબ અને મધ્યમ વર્ગને હજી વધારે મફત વીજળી નો લાભ આપી શકીશું. આમ આદમી પાર્ટી ગરીબ, મજૂર, કામદારો અને મધ્યમ વર્ગની પાર્ટી છે અને હંમેશા તેમની સુવિધા માટે તેમના સુખાકારી માટે કામ કરે છે.

 

હું સી.આર. પાટીલ જી ને પણ વિનંતી કરું છું કે સૌ પ્રથમ તેઓ પોતે મફત વીજળી લેવાનું બંધ કરે અને મુખ્યમંત્રીએ પણ મફત વીજળી લેવાનું બંધ કરવું જોઈએ. જો તમને મફત વીજળી થી એટલી જ તકલીફ હોય, તો તમેં પોતે વીજળી ખરીદો અને તેનો ઉપયોગ કરો. અને ગુજરાત ભાજપના તમામ નેતાઓ જે મફત વીજળીના વિરોધમાં છે તેઓ પણ મફત વીજળી લેવાનું બંધ કરે અને પોતાના ઘરની બહાર બોર્ડ લગાવે કે અમને મફત વીજળી જોઈતી નથી તો ગરીબોને વીજળી આપી શકાય.

 

જ્યાં સુધી મફત વીજળી નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન ચાલુ રહેશે. અત્યારે ભાજપની સરકાર છે, પરંતુ આવનારા સમયમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે પણ આપણા માટે સૌથી મહત્વનો મુદ્દો હશે કે લોકોને મફત વીજળી આપવી જોઈએ. અમે હંમેશા લોકોના મુદ્દા ઉઠાવીએ છીએ કારણ કે અમે લોકો નું દુઃખ જોઈને રાજકારણમાં આવ્યા છીએ.

 

(7:15 pm IST)