Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ભારત-ચીન વચ્‍ચે ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થતા અમદાવાદમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનઃ મોબાઇલ માર્કેટમાં ચીની સામાન ન વેંચવા રજૂઆત

વડોદરાઃ ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં ચીન સામે લોકોમાં ભારે ગુસ્સો છે. દેશભરમાં ચીનની વસ્તુનો બહિષ્કાર કરવાની મુહિમ પણ શરૂ થઈ છે. કેન્દ્ર સરકારે પણ 59 ચાઇનાની એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તો ગુજરાતમાં પણ વિવિધ જગ્યાએ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે લોકો આગળ આવી રહ્યાં છે. આજે વડોદરામાં કરણી સેના દ્વારા ચીની સામાન વેચતા દુકાનદારો સામે વિરોધ કરવામાં આવ્યો હતો.

કરણી સેનાનો વિરોધ

મહત્વનું છે કે, ગુજરાતમાં ચીની સામાનનો બહિષ્કાર કરવાને લઈને કરણી સેના પણ મેદાને આવી છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે કરણી સેનાના કાર્યકરો દ્વારા વડોદરા શહેરમાં સૌથી મોટી મોબાઇલ માર્કેટ મરીમાતાના ખાંચા ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. કરણી સેનાએ દુકાનદારોને ચાઇનાની કંપનીની જાહેરાતોના બોર્ડ દૂર કરવા માટે કહ્યું હતું તો ચીની સામાન ન વેચવા માટે પણ રજૂઆત કરી હતી.

કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતની આગેવાનીમાં કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતા. અહીં વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. કરણી સેનાએ મોબાઇલ માર્કેટમાં ચાઇનીઝ કંપનીના ટીવી પણ તોડ્યા હતા. વેપારીઓએ સામેથી તેમને  ચાઇનાના ટીવી આપ્યા હતા. ભારતના સૈનિકો શહીદ થયા બાદ ચીન સામે કરણી સેનાનો સતત રોષ ભભૂકી રહ્યો છે.

(5:27 pm IST)