Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

હવે આવ્યું પાણીપુરી ખાવાનું ATM

પૈસા નાખો... મેળવો ચટાકેદાર પાણીપુરી

અમદાવાદ, તા.૩: કોરોના વાયરસની મહામારીના આ સમયમાં દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉન બાદથી જ લોકોના નોકરી-ધંધા ઠપ થઈ ગયા છે. અન્ય બિઝનેસની સાથે ખાણી-પીણી બજારને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણના ડરથી લોકો બહારનું ફૂડ ખાવાથી ઓછું કરી રહ્યા છે. ત્યારે લોકડાઉનના સમયનો સદઉપયોગ કરતા ગુજરાતી યુવકે પાણીપુરીનું એટીએમ મશીન તૈયાર કરી દીધું છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના આવેલા એક ગામ રહેતા ભરત પ્રજાપતિ નામના યુવકે જાતે જ પાણીપુરીનું આ એટીએમ મશીન તૈયાર કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભરત માત્ર ૧૦ ધોરણ સુધી જ ભણેલો છે. તેણે બનાવેલા પકોડીના મશીનની તમામ પ્રોસેસ એટીએમ મશીન જેવી જ છે.

આ પાણીપુરીના એટીએમ મશીનમાં ગ્રાહકે સૌથી પહેલા સ્ટાર્ટ બટન દબાવવાનું હોય છે. આ બાદ તમારે કેટલા રૂપિયાની પકોડી ખાવી છે તે રકમ એન્ટર કરીને તેટલા રૂપિયાની નોટ મશીનમાં નાખવાની હોય છે. મશીનમાં નોટ જતા જ આ રકમમાં ગ્રાહકને કેટલી પકોડી મળશે તેની સંખ્યા પણ સ્ક્રીન પર જોવા મળે છે. આ બાદ મશીનમાંથી એક બાદ એક પકોડી બહાર આવે છે. આ સમગ્ર પ્રોસેસમાં અન્ય વ્યકિતનો કોઈ પ્રકારનો સ્પર્શ રહેતો નથી.

ખાસ વાત તે છે કે આ પાણીપુરીના મશીનમાં ગ્રાહકને તીખી, મીડિયમ અને કોરી પકોડીનું ઓપ્શન પણ મળે છે. વિડીયામાં ભરત જણાવી રહ્યો છે કે તેને આ મશીન બનાવવા માટે ૬ મહિના જેટલો સમય લાગ્યો હતો. અને તેની સમગ્ર પ્રોસેસ એટીએમ મશીનની જેવી છે. આ પાણીપુરી મશીન દ્વારા ગ્રાહકો કોરોનાના ડરથી મુકત થઈને હાઈજેનિક રીતે તૈયાર થતી પકોડી ખાઈ શકે છે.

(3:46 pm IST)