Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કોરોનાના સંકટના સમયમાં મીડિયાની ભૂમિકા ડોકટરોની ભૂમિકાથી સહેજ પણ ઓછી નહિઃ ડો. ધીરજ કાકડિયા

કેન્દ્રના માહિતી વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલ વેબીનાર પ્રસંગે ઉદ્બોધન : વ્યાપક હિત માટેની સાચી ટીકા હકારાત્મક પત્રકારત્વ છે : ડો. સોનલ પંડયા

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનના સહયોગથી યોજાયેલ વેબીનાર પ્રસંગે ડો. ધીરજ કાકડિયા, શ્રીમતી સરિતાબેન દલાલ, ડો. સોનલ પંડયા, રમેશ તન્ના વગેરેએ સંબોધન કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા. ૩ : કોરોના સંકટના આ સમયગાળામાં મીડિયાની ભૂમિકા કોરોના વોરિયર્સ ગણાતા ડોકટરોની ભૂમિકાથી સહેજ પણ ઓછી નથી. સંકટ સમયે જવાબદારીની સાથે મીડિયાની ભૂમિકા ઘણી મહત્વની બની જતી હોય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પી.આઇ.બી. અને આર.ઓ.બી.ના ગુજરાત વિભાગના વડા એડિશ્નલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડિયાએ કોરોના સંકટના સમયમાં મીડિયાની હકારાત્મક ભૂમિકા વિષય પર આધારિત વેબીનારને સંબોધતા આ વાત કહી હતી. ગાંધીજીએ કહેલા પત્રકારત્વના ધર્મને યાદ કરતા ડો. કાકડિયાએ સમાજની લાગણીને વાચા આપવી, સમાજમાં ઇચ્છિત ભાવનાઓ પેદા કરવી અને રાષ્ટ્ર અને સમાજમાં રહેલા પ્રત્યેક આવશ્યક મુદ્દાઓને બહાદુરીપૂર્વક સમાજ સન્મૂખ મૂકવા એ પત્રકારનો ધર્મ હોવાનું જણાવ્યું હતું. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશના રીજનલ આઉટરીય બ્યુરો, અમદાવાદ દ્વારા આયોજીત વેબીનારમાં ડો. કાકડિયાએ આ માહિતી આપી હતી.

ગુજરાત યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના સહયોગથી યોજાયેલ આ વેબીનારમાં ડો. ધીરજ કાકડિયા ઉપરાંત રીજનલ આઉટરીચ બ્યુરોના કાર્યકારી નિર્દશક શ્રીમતી સરિતાબેન દલાલ, ડીપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમના એચઓડી ડો. સોનલબેન પંડયા તેમજ વરિષ્ઠ પત્રકાર શ્રી રમેશભાઇ તન્નાની વિશેષજ્ઞ તરીકેની ઉપસ્થિતિ રહી હતી. સોશ્યલ મીડિયાના માધ્યમથી આયોજીત આ વેબીનારમાં વિભિન્ન મીડિયા કર્મીઓ તેમજ પત્રકારત્વના અભ્યાસ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રીજનલ આઉટરીચ બ્યુરોના કાર્યકારી નિર્દેશક શ્રીમતિ સરિતાબેન દલાલે આ વેબીનારના હેતુને સ્પષ્ટ કરતા વર્તમાન પરિસ્થિતિમાં મીડિયા કર્મીઓની શું ફરજ હોઇ શકે તે બાબત પર વાત કરી હતી.

એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડિયાએ સુપ્રિમ કોર્ટના આદેશ અને કેન્દ્ર સરકારની સૂચનાથી પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા શરૂ થયેલ. ફેકટ ચેક યુનિટ વિશે જાણકારી આપી હતી અને સૌને અપીલ કરી હતી કે આપની પાસે પણ આવા કોઇ શંકાસ્પદ સમાચાર આવે તો તેની સત્યતા ચકાસવા માટે આપ પીઆઇબીના ફેકટ ચેક યુનિટને તે સમાચાર પહોંચાડી શકો છો. જેથી તેની સત્યતાની ચકાસણી કરી શકાય અને ખોટા સમાચારોને આગળ વધતા અટકાવી શકાય.

હકારાત્મક પત્રકારત્વ વિશે ડો. સોનલબેન પંડયાએ સાચી ટીકાને હકારાત્મક પત્રકારત્વ ગણાવી જો વિરોધ વ્યકિતગત કે સ્થાપિત હિત માટે ન હોય, પરંતુ વ્યાપક હિત માટે હોય તો તેને હકારાત્મક ગણાવ્યો હતો. કોરોના સંકટના આ સમયમાં મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી.

પત્રકાર શ્રી રમેશ તન્નાએ તેમના અનુભવને વ્યકત કરી પોઝીટીવ સ્ટોરીની તાકાતથી લોકોને વાકેફ કર્યા હતાં. વ્યકિત, સમાજ, વહીવટી તંત્ર, શાસકો અને મીડિયા એમ સર્વેમાં હકારાત્મક અભિગમ હોવો જરૂરી હોવાનું જણાવી વર્તમાન સમયમાં હકારાત્મક વાતાવરણ ઉભુ કરવા પર ભાર મૂકયો હતો.

વેબીનારના અંતિમ તબક્કામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. વિશેષજ્ઞો દ્વારા ઉંડાણપૂર્વક વિષયવસ્તુની છણાવટ સાથે આપેલ માર્ગદર્શન અને મીડિયાકર્મીઓ સાથે પત્રકારત્વના વિદ્યાર્થીઓના રસપૂર્વક ભાગ લેવાથી આ વેબીનાર સફળ રહ્યો હતો.

(3:14 pm IST)