Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

માતાએ અઢી વર્ષના બાળકનું ગળું કાપીને પોતે ફાંસો ખાંધો

માતા-પુત્રના મોતથી પંથકમાં ચકચાર : પતિ નેપાળ નહીં લઈ જાય એવું લાગતાં મહિલાનું પગલું

અમદાવાદ, તા.૩ : ધોલેરા હાઇવે પર ચાઇનીઝ ફાસ્ટ ફૂડનો ધંધો કરતા નેપાળીની પત્નીએ અગમ્ય કારણોસર મોડી રાત્રે અઢી વર્ષનાં બાળકનું ગળું કાપી હત્યા કરી હતી. બાળકની હત્યા કર્યા બાદ માતાએ પણ પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતા-પુત્રના કરૂણ મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ૧૦૮ દ્વારા બંન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ધોલેરા દરજી શેરીમાં રહેતા અને મૂળ નેપાળના રહેવાસી વીરબહાદુર સોનાર ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરે છે. પરિવારમાં પત્ની (ઉ.વ.૨૨)અને અઢી વર્ષનો પુત્ર હતો. પત્ની શાંતાબેને પતિને નેપાળ વતનમાં જવાની વાત કરી હતી. જો કે, વીરબહાદુરે ૧ લી તારીખે જવા કહ્યું હતું. પતિ નેપાળ નહિ લઈ જાય તેનું મનમાં લાગી આવતા શાંતાબેને શુક્રવારે ઘરે કોઈ હાજર ન હોવાથી અઢી વર્ષના પુત્ર લક્ષમણનું ગળું કાપી હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

ધોલેરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે, બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક રહીશોમાં માતા-પુત્રના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(9:37 pm IST)