Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દિવ્ય ભારત-ભવ્ય ગુજરાતનું નિર્માણ કરીશું :મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી નું શાસનરત્ન એવોર્ડથી સન્માન : સીએમ વિજય રૂપાણીએ શ્રીમદ રાજચંન્દ્ર મિશન-ધરમપુરના એનિમલ નર્સિંગ હોમનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

અમદાવાદ, તા.૩૧ : પર્યુષણ મહાપર્વ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મુંબઈમાં શાસનરત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂદેવ રાકેશભાઈના હસ્તે શાસનરત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબહેન રૂપાણી સહિત હજારો મુમુક્ષુો મુંબઈમાં વરલી ખાતે આયોજિત આ સમારોહમાં ઉપસ્થિત હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરના વિચાર, બોધ, સત્ય, અહિંસા અને જીવદયાના આદર્શોથી પ્રધાનમંત્રીની કલ્પનાનું નયા ભારત જગદ્ગુરૂ બનશે. આપણે આ માટે દિવ્ય ભારત અને ભવ્ય ગુજરાતનું નિર્માણ કરીશું. 

           આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ધરમપુરમાં નિર્માણ થયેલા એનિમલ નર્સિંગ હોમનું વર્ચ્યુઅલ લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે ગુરૂદેવ રાકેશભાઈના પુસ્તક ભગવાન મહાવીરના મંગલમય સિધ્ધાંતોની હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી આવૃત્તિ અને સી.ડી.ના વિમોચન પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ આ શાસનરત્ન એવોર્ડ સ્વીકારતાં કહ્યું કે, અહિંસા પરમોધત્મની ભાવના સાથે રામરાજ્યનું નિમાર્ણ થઈ રહ્યું છે, ત્યારે શ્રધ્ધા સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. શ્રીમદ રાજચંદ્ર પૂજ્ય મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ હતા. અહિંસાની કલ્પના શ્રીમદ રાજચંદ્રના બોધમાં રહેલી છે. મહાત્મા ગાંધીજીએ અહિંસાના સિધ્ધાંતને જીવનમંત્ર બનાવ્યો હતો તેના મૂળમાં શ્રીમદ રાજચંદ્રજીનો પ્રભાવ રહેલો છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સુક્ષ્મ જીવો માટે કરૂણાએ આપણા સંસ્કાર અને સ્વભાવ છે. ભગવાન મહાવીરે પ્રબોધેલા અહિંસા પરમોધર્મના સિધ્ધાંતને દુનિયાએ સ્વીકાર કરેલો છે. અહિંસા, તપ, સંયમ અને અનેકાંતના સિધ્ધાંતનો વિશ્વમાં પ્રકાશ ફેલાવનાર ભગવાન મહાવીરની ત્યાગની ભાવનાને ઉજાગર કરવાનો આ પર્યુષણ પર્વ એક અવસર છે.

અબોલ પશુઓના જીવને અભયદાન મળે એ પ્રકારેની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દરેક જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્ય સરકારે દરેક જીવોની ચિંતા કરીને કરૂણા અભિયાન શરૂ કર્યું છે. ગુરૂદેવો સંતો-મહંતોના આર્શીવાદથી સુદ્રઢ શાસન વ્યવસ્થાનું નિર્માણ થયું છે. જ્યારે ગુરૂદેવ રાકેશભાઈએ મુખ્યમંત્રીને સુશાસન અને જનકલ્યાણ માટે સદાકાળ સમર્પિત રહી નિષ્કામ ભાવે સેવારત રહેવાના આશીર્વાદ પાઠવ્યા હતા.કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ વ્યકત કરતાં કહ્યું કે, શ્રીમદ્ રાજચન્દ્ર એનિમલ નર્સિંગ હોમનો શુભારંભ એ એક અનન્ય અને અદ્દભૂત કાર્ય છે. પૂજ્ય ગુરૂદેવના આશીર્વાદથી પ્રાણીઓ માટે આ મિશન જે કાર્ય કરી રહ્યું છે તે પ્રશંસનીય છે અને સમાજ હંમેશા તે માટે તેમનું ઋણી રહેશે.

(9:33 pm IST)