Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ૨૨% એક્ટિવ કેસ

હવે મોટાભાગના દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે : અમદાવાદમાં અત્યાર સુધી સુધી ૧૨ હજારથી વધુ કેસ નોંધાયા : તેમાંથી ૭૦.૯૫ ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે

અમદાવાદ, તા. ૩ : લોકડાઉન બાદ હવે અનલોક-૧માં પણ ગુજરાત સહિત અમદાવાદમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ રાહતની વાત એ છે કે, શહેરમાં છેલ્લાં કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરી રહ્યા હોવાથી કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટી રહી છે. અમદાવાદમાં અત્યાર સુધી સુધી ૧૨ હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી ૭૦.૯૫ ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે ૭ ટકા દર્દીઓના મોત નીપજ્યા છે. આથી હવે શહેરમાં માત્ર ૨૨.૦૫ ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૧ જૂન સુધી અમદાવાદમાં કોરોનાના ૧૨૫૩૭ કેસ નોંધાયા હતાં. જેમાંથી ૮૮૯૫ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો તેમજ ૮૭૮ લોકો મોતને ભેટ્યા છે અને ૨૭૬૪ કેસ એક્ટિવ છે.

 અમદાવાદમાં મંગળવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭૯ કેસ નોંધાયા છે અને આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના કુલ દર્દીઓનો આંકડો ૧૨૭૭૩ પર પહોંચ્યો છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે કુલ ૨૪ લોકોના મોત થયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર કુલ દર્દીઓની સંખ્યા ૮૮૮ પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધી મોતને ભેટેલા દર્દીઓમાં સિવિલમાં સૌથી ૪૩૪, એસવીપીમાં ૧૫૯, સોલા સિવિલમાં ૫૦, કેન્સર હોસ્પિટલમાં ૫૮, કિડની હોસ્પિટલમાં ૩૬, યુએન મહેતા હોસ્પિટલમાં ૮, ESIC હોસ્પિટલમાં ૪ અને અન્ય હોસ્પિટલોમાં ૧૦૦ થી વધુ દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી અમદાવાદ શહેરમાં ૮૮૯૫ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જેમાં સૌથી હોમ આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ઝોન મુજબ એક્ટિવ કેસ

મધ્યઝોન......................................... ૫૯૭ કેસ

ઉત્તર ઝોન....................................... ૯૪૨ કેસ

પશ્ચિમ ઝોન..................................... ૫૪૫ કેસ

દક્ષિણ પશ્ચિમ ઝોન........................... ૨૭૬ કેસ

ઉત્તર પશ્ચિમ ઝોન............................. ૧૩૪ કેસ

પૂર્વ ઝોન.......................................... ૫૪૭ કેસ

દક્ષિણ ઝોન...................................... ૪૮૭ કેસ

(7:56 pm IST)