Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બનાસકાંઠા જિલ્લામાં પસાર થતી આઇઓસીની પાઇપલાઇનમાં રાત્રીના સમયે ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

બનાસકાંઠા:જિલ્લામાં પસાર થતી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં રાત્રીના સમયે ઓઈલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું છે. કાણોદર ગામ નજીક આવેલ વડગામ તાલુકાના શેરપુરા ગામ પાસેના એક ખેતરમાં પસાર થતી ઓઈલની પાઈપલાઈનમાં પંચર પાડી કેટલાક અસામાજીક તત્વો દ્વારા ઓઈલ ચોરીનું રેકેટ ચલાવવામાં આવતું હોઈ પાલનપુર એસઓજી પોલીસે બાતમીના આધારે રેીડ કરીને ઓઈલ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. ૮ હજાર લીટર ફુડ ઓઈલ ભરેલું ટેન્કર કબજે કરવામાં આવ્યું હતું.

પાલનપુરઅમદાવાદ હાઈવે પર આવેલ વડગામ તાલુકાના શેરપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં આવેલી સલાયાથી મથુરા જતી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં કેટલાક તત્વો દ્વારા રાત્રીના સમયે આ પાઈપલાઈનમાં પંચર કરીને ઓઈલ ચોરી કરવામાં આવતી હોઈ બનાસકાંઠા એસઓજી પોલીસ તેમજ છાપી પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે મંગળવારે સવારે શેરપુરા પાટિયા પાસે આવેલ ખેતરમાં ઓચિંતી રેડ કરી હતી. જેમાં પાઈપમાં પંચર કરીને ઓઈલની ચોરી કરતા તત્વો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘટનાસ્થળેથી ૮ હજાર લીટર ફુડ ઓઈલ ભરેલ ટેન્કર મળી આવતા રૃા ૧૧.૩૬ લાખનો મુદ્દામાલ કબજે લઈને બનાવ અંગે છાપી પોલીસ મથકે અજાણ્યા ટેન્કર ચાલક તેમજ ટેન્કર માલિક વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(5:44 pm IST)