Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

આણંદ તાલુકાના વહેરાખાડી ઓવરબ્રિજ નજીક ડમ્પરને જોઈને મોટર સાયકલ ચાલકે કાબુ ગુમાવતા બે માસુમ બાળકી કાળનો કોળિયો બની

આણંદ:તાલુકાના વહેરાખાડી ઓવરબ્રીજ ઉપર આજે સવારના સુમારે એક મોટરસાયકલ પર સવાર થઈ જઈ રહેલ ત્રણ બાળકો સહિતના પરિવારને અકસ્માત નડયો હતો. સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલ અજાણ્યા ડમ્પર ચાલકથી ગભરાઈ જઈ મોટરસાયકલ ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ રોડની સાઈડ ઉપર આવેલ એન્ગલ સાથે અથડાતા બે માસુમ બાળકીઓના કરૃણ મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. જ્યારે ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આણંદ જિલ્લાના કોસીન્દ્રા ખાતે રહેતા જગદીશભાઈ ગોરધનભાઈ પારેખ આજે સવારના સુમારે પોતાની પત્ની જલ્પાબેન તથા બે દિકરીઓ નવ્યા (ઉં.વ.૭), દિયા (ઉં.વ.૫) અને એક પુત્ર રૃદ્ર સાથે એક મોટરસાયકલ ઉપર સવાર થઈ કોસીન્દ્રાથી તેઓની સાસરી સનાદરા ખાતે જવા નીકળ્યા હતા. દરમ્યાન સવારના સાતેક વાગ્યાના સુમારે તેઓની મોટરસાયકલ આણંદ તાલુકાના વહેરાખાડી ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે વળાંક નજીક સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ડમ્પરના કારણે ચાલક જગદીશભાઈ એકદમ ગભરાઈ ગયા હતા અને મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ રોડની સાઈડમાં આવેલ એન્ગલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. 

(5:42 pm IST)