Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વડોદરામાં ઓનલાઇન છેતરપિંડી આચરી હજારો લોકોને લુંટતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર પોલીસના સકંજામાં

વડોદરા: શહેરમાં ઓનલાઇન છેતરપિંડી કરવાના સંખ્યાબંધ બનાવોમાં પરપ્રાંતિય ટોળકીનો હાથ હોવાના વારંવાર કિસ્સા બહાર આવી રહ્યા છે. વડોદરામાં ઓગસ્ટ -2019મા આવી જ રીતે છેતરપિંડીના બનેલા એક બનાવમાં પોલીસે હરિયાણાના ઠગને ઝડપી પાડયો છે.

વડોદરા પ્રેમકુમાર ગેરા નામના શખસને પેટીએમની કેવાયસી માટે ફોન આવ્યો હતો. ફોન કરનારે પેટીએમ કેવાયસી નહી થાય તો ટ્રાન્જેક્શન બંધ થઈ જશે તેમ કહી ઓનલાઈન કેવાયસી કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને રૂ 94 હજાર ટ્રાન્સફર કરી લેતા પ્રેમ કુમારે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ પોલીસે આ જ પ્રકારના એક ગુનામાં હરિયાણાના વતની અમિત સિંગ દરિયા સિંગ માન (હાલ રહે નંદન પાર્ક,જામનગર) ની ધરપકડ કરતા તેણે વડોદરામાં આચરેલા ગુનાની પણ કબુલાત કરી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઠગની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. 

(5:39 pm IST)